Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્યની બધી જ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખઓને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે.રાજ્યમાં ધારાસભ્યઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે 2.5 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે.
મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયે જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે.

























































