Mysamachar.in-જામનગર:
ઉંચા વળતરની લાલચ અને એકના ડબલની વાતું કરી, લોકોના નાણાં પચાવી પાડવા ગુનાહિત માનસ ધરાવતાં તત્ત્વો જાતજાતના ખેલ આચરતા હોય છે, ઘણી વખત આ પ્રકારના ખેલ વૈભવી હોટેલોમાં ‘ગોઠવી’ સંભવિત શિકારની શોધ કરી લેવામાં આવતી હોય છે અને પછી ચા-ઠંડુ-નાસ્તો કે આઇસક્રીમ જેવી ચીજો રોકાણકારોને ખવડાવી-પિવડાવી, આવા તત્ત્વો પોતાની વાત પણ શિકારના ગળે ઉતારી દે અને પછી રૂપિયા ભેગાં કરી, નીકળી જાય અને પછી લૂંટાઈ ગયાની બૂમો પાડતાં ફરિયાદીઓ પોલીસ સ્ટેશનના આંગણે પહોંચે. આવો વધુ એક કિસ્સો જામનગરમાં બન્યો હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક અપૂર્વા એપાર્ટમેન્ટમાં રહેતાં અને રેફ્રિજરેશનની પેઢીમાં નોકરી કરતાં મયૂર કાંતિલાલ ગોહેલ(49) નામના એક ફરિયાદીએ આવી એક ફરિયાદ શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે, જેમાં આરોપીઓ તરીકે એક યુવતિ સહિતના ચારેય કુંડાળિયા અમદાવાદના હોવાનું લખાવાયું છે.
આ મામલામાં ફરિયાદી કહે છે: ગત્ સપ્ટેમ્બર માસથી અત્યાર સુધીમાં આ શખ્સોએ મારી પાસેથી રૂ. 23.98 લાખ પડાવી લીધાં છે. આરોપીઓએ શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલી ‘વિવિધ’ નામની હોટેલમાં એક ઈન્વેસ્ટમેન્ટ સેમિનાર આયોજિત કર્યો હતો. ફરિયાદી આ સેમિનારમાં ગયા હતાં.
આ મામલાના આરોપીઓએ સેમિનારમાં રોકાણકારોને એમ કહેલું કે, એકસિસ વર્ડ નામની કંપનીમાં તમે નાણાં રોકાણ કરશો તો, બેગણું રિટર્ન મળશે. આ વાત પર ફરિયાદીએ વિશ્વાસ કરી લીધો. બાદમાં ફરિયાદી મયૂરભાઈએ જુદાંજુદાં સમયે આંગડીયા મારફતે અને બેંક દ્વારા, આ લોકોને રૂ. 23,98,700 મોકલી દીધાં. ફરિયાદીને આરોપીઓએ આ રકમનું કોઈ વળતર આપ્યું નથી. આથી હવે ફરિયાદીને એમ લાગી રહ્યું છે કે, તેમની સાથે વિશ્વાસઘાત થઈ ગયો છે. આથી તેમણે આ સંબંધે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનોજ પટેલ, હરીશ બારૈયા, પૂજા રાવત અને ભવ્ય પટેલના નામો લખાવવામાં આવ્યા છે. આ બધાં આરોપીઓ મોબાઈલ મારફતે ફરિયાદીના સંપર્કમાં રહેતાં હતાં. આ ચારેય આરોપીઓ અમદાવાદના છે. આ સેમિનારમાં અન્ય નગરજનો પણ ગયા હશે, એમાંથી અન્ય કેટલાંક લોકોએ પણ આરોપીઓની વાત જેતે સમયે ફૂલડે વધાવી લઈ આ કંપનીમાં ઉંચા વળતરની લાલચે રૂપિયાનું રોકાણ કર્યું હોય પણ હજુ સુધી ફરિયાદ ન કરી હોય, એ પણ શક્ય છે. આથી વિશ્વાસઘાતનો આ મામલો આગામી સમયમાં મોટો બની શકે, એ પણ શક્ય છે. કારણ કે, આ સેમિનારમાં ઘણાં લોકોએ ચા નાસ્તો કર્યા હશે, એકના ડબલના સપના પણ જોયા હશે.

























































