Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને દિલ્હીથી ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો હોય, એવા સંકેતો સૂત્ર દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. હવે પછીના સમયમાં રાજ્યના એકેય મહાનગર કે જિલ્લાનું મહત્ત્વ પ્રદેશકક્ષાએ રહે નહીં અને તમામ ‘પાવર’ નું પાવરહાઉસ કમલમ્ જ રહેશે એવા એંધાણ વહેતાં થઈ ગયા છે. સાથેસાથે સંગઠનમાં આગામી ચૂંટણીઓની જરૂરિયાતો ધ્યાનમાં રાખી પક્ષને અનોખી રીતે મજબૂતી આપવાનું અભિયાન શરૂ થઈ ગયાનું સૂત્ર જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વરસેક અગાઉ પાર્ટીએ મહાનગરો અને જિલ્લાઓમાં નવા સુકાની એટલે કે ‘સુબેદાર’ બેસાડ્યા. બાદમાં આ સુકાનીઓના હાથ નીચેની સંગઠન ટીમોની રચના માટે પ્રદેશ નિરીક્ષકોના માધ્યમથી સેન્સ પ્રોસેસ અને નામોની પેનલો કમલમ્ મોકલવાની કવાયત થઈ. પરંતુ આ નામોને જ મંજૂરીઓ આપવામાં આવશે નહીં, એમ સૂત્ર કહે છે.
સૂત્ર અનુસાર, પક્ષ એવું ઈચ્છે છે કે, પક્ષમાં ‘ગોડફાધર’ આંગળી પકડી ચાલતાં લોકોને હોદ્દા આપવા ન જોઈએ અને પક્ષ માટે બધી જ રીતે ઉપયોગી તથા સક્ષમ હોય, એવા કાર્યકર્તાઓને આગળ લાવી પક્ષમાં નવસંચાર કરવાથી પક્ષ વધુ મજબૂત બની શકે, વિસ્તરી શકે અને તેનો લાભ આગામી ચૂંટણીઓમાં મળી શકે.
કહેવાય છે કે, આ થિયરી આગળ કરવા હાલના સુકાનીઓને આ બાબતે હોમવર્ક કરવા અને ‘નવા’ નામો અગાઉની યાદી સાથે જોડવા ખાનગીમાં આદેશ અપાઈ ગયો છે. જો ખરેખર આમ બનશે તો, ઘણાં વગદાર નામો યાદીમાંથી નીકળી શકે છે અને નવા કાર્યકર્તાઓને અચાનક ‘લોટરી’ લાગી શકે છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે, હવે પછી બધાં જ મહત્ત્વપૂર્ણ નિર્ણય કમલમ્ થી થશે અને ત્યાં એક વ્યક્તિ આખું ગુજરાત પ્રદેશ અધ્યક્ષની સૂચનાઓ મુજબ સંભાળશે. સ્થાનિક ‘સુબેદારો’ની શક્તિઓ ખૂબ મર્યાદિત થઈ જશે, આથી પક્ષમાં પદના મહત્ત્વ ઘટી શકે છે. કારણ કે, અસલી પાવરહાઉસ તો કમલમ્ જ રહેશે.

























































