Mysamachar.in-ગાંધીનગર:
દરેક જિલ્લામાં 2 કચેરી વધુ મહત્વપૂર્ણ હોય છે, એક કલેક્ટર કચેરીના અન્ડરમાં આવતું મહેસૂલ સેવા સદન અને બીજું SPના અન્ડરમાં આવતો પોલીસ વિભાગ. આ બંને વિભાગો સીધાં જ હજારો અરજદારો સાથે સંકળાયેલા રહે છે આથી આ બંને વિભાગ કાયમ માટે લોકો પાસેથી લાંચ લેવાની સ્પર્ધામાં રહે છે. અગાઉના વર્ષોમાં મહેસૂલ વિભાગ પ્રથમ ક્રમે રહેતો, કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગ લાંચ લેવામાં વધુ એક્ટિવ રહેતો હોય મહેસૂલ વિભાગે બીજા ક્રમે રહી સંતોષ માની લેવો પડે છે.
વર્ષ 2025માં પણ લાંચ લેતાં ઝડપાઈ જવામાં પોલીસ અને મહેસૂલ વિભાગ પ્રથમ અને બીજા ક્રમે રહ્યા. પોલીસ વિભાગમાં 62 અને મહેસૂલ વિભાગમાં 32 ગુના નોંધાયા, લાંચ લેતાં ઝડપાઈ જવાની બાબતમાં પોલીસ વિભાગ, સરખામણીએ ભોળો છે. અથવા, વહેમમાં છે- કોણ આપણું શું બગાડી લ્યે ! મહેસૂલ વિભાગ ફૂંકીને પિવે છે. તેથી હોઠ ઓછાં દાઝે છે.
આખા રાજ્યમાં વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારના કુલ 213 ગુના નોંધાયા. જે પૈકી 187 સરકારી બાબુઓ ઝડપાઈ ગયા. દર બે દિવસે એક લાંચિયો ઝડપાઈ રહ્યો છે. લોકો તો એવું ઈચ્છે છે કે, રોજ ચાર-છને અંદર ઘાલી દેવા જોઈએ. સોપો પડી જવો જોઈએ.
વર્ષ 2025માં આ લાંચિયા તત્ત્વોએ લોકો પાસેથી જે લાંચ મેળવી તે પૈકીના 173 લાખ રૂપિયા છટકામાં ઝડપાઈ ગયા. આ ઉપરાંત ACBએ 16 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત સંબંધિત 16 ગુના દાખલ કર્યા. આ લાંચખોરોએ અનીતિથી રૂ. 1,700 લાખ ભેગા કર્યા હતાં, જે ઝડપાઈ ગયા.
વર્ગ-3 ના કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાઈ જતાં હોવાનું પ્રમાણ સૌથી વધુ…વર્ગ-2 ના અધિકારીઓ આ બાબતે પ્રમાણમાં હોંશિયાર સાબિત થયા. અને, વર્ગ-1 ના અધિકારીઓ ચતુર છે, ભાગ્યે જ લાંચ રૂશવત વિરોધી તંત્રના હાથમાં આવે છે. વર્ગ-4 ના કર્મચારીઓને પણ લોકો લાંચ આપે છે.

























































