Mysamachar.in-
તમે અકસ્માતોના ઘણાં કિસ્સાઓ રોજ વાંચતા-જોતાં હશો. જેમાં ટુ વ્હીલરના અકસ્માતો પણ અનેક હોય છે. આ અકસ્માતોમાં મોત થવાના બનાવો પણ પુષ્કળ હોય છે. આથી આ પ્રકારના અકસ્માત મોત અટકાવવા કેન્દ્ર સરકાર ચિંતિત છે. સરકારે 6 મહિના અગાઉ વાહન ઉત્પાદક કંપનીઓને કહેલું કે, પહેલી જાન્યુઆરી, 2026થી દરેક નવા ટુ વ્હીલરમાં એન્ટી લોકિંગ બ્રેક સિસ્ટમ લગાવવી.
આવતીકાલથી આ સૂચનાનો અમલ શરૂ કરવાનો છે. પરંતુ આજની તારીખ સુધી આ સૂચનાના અમલ માટે તૈયારીઓ કરવામાં આવી નથી. એટલે કે, ટુ વ્હીલરના અકસ્માત અને મોત ઘટાડવા સરકાર જે કરવા ઈચ્છે છે, તે હાલ થશે નહીં. અકસ્માત અટકશે નહીં, મોત થતાં રહેશે. ભારતમાં અકસ્માતોમાં જે મોત થઈ રહ્યા છે તે પૈકી 44 ટકા મોત ટુ વ્હીલર સાથે સંબંધિત છે !
સરકારે જાહેર કરેલી ડેડલાઈન આજે રાત્રે બાર વાગ્યે પૂર્ણ થઈ રહી છે. અત્યારે વાહન ઉત્પાદકો કહે છે કે, આ સૂચનાના અમલ માટે સમય આપો. તબક્કાવાર અમલ કરી શકાશે. એકસાથે શક્ય નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારે આ જાહેરાત છ મહિના અગાઉ કરી દીધી હતી.
એબીએસ અને સીબીએસ શું છે ?..
સરકાર ઈચ્છે છે કે, ટુ વ્હીલરમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ લાગુ થાય. જેથી બ્રેક લગાવતી વખતે પૈડું લોક થતું રોકાય અને વાહનનું સંતુલન જાળવી શકાય. આ એબીએસ સિસ્ટમ છે. 125 cc અને તેથી ઉપરની બાઈકમાં આ સિસ્ટમ હોય છે. આ વાહનો કુલ ટુ વ્હીલરના 16 ટકા જ છે. હાલમાં સ્કૂટર તથા નાની બાઈકમાં સીબીએસ સિસ્ટમ છે, જે કમ્બાઈન્ડ બ્રેક સિસ્ટમ છે. 84 ટકા ટુ વ્હીલર આ શ્રેણીમાં આવે છે. જેમાં બ્રેક લગાવતાં જ પૈડું લોક થઈ જાય છે, ટુ વ્હીલર ચાલક સંતુલન ગુમાવી દે છે. અકસ્માત થાય છે, મોત થઈ જાય છે.

























































