Mysamachar.in-જામનગર:
સરકારના કેટલાંક વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ કશો જ ઉહાપોહ ન થાય તેની કાળજી રાખીને સંબંધિત ધંધાર્થીઓને ત્યાં’આંટો’ લગાવી લેવાની અને એ રીતે જરૂરી ‘કામકાજ’ પતાવી લેવાની અને પોતે પગારના બદલામાં કામ કરે છે, એવું જાહેરમાં દેખાડવાની બાબતે હોંશિયાર હોય છે. પરંતુ આ અધિકારીઓ અને કર્મચારીઓ એ વાત ભૂલી જાય છે કે, તેમની કામ કર્યાની જાહેરાતો ‘બેમતલબ’ છે, કેમ કે નાગરિકો બધાં જ સરકારી વિભાગોને નજીકથી પિછાણે છે.
રાજ્યમાં સોનાચાંદીની અસંખ્ય દુકાનો છે, હજારો જ્વેલર્સ શો-રૂમ છે અને વર્ષે દહાડે આ ક્ષેત્રમાં અબજો રૂપિયાનો સાચોખોટો, બંને પ્રકારનો વેપાર થઈ રહ્યો છે. આ સ્થિતિઓ વચ્ચે તોલમાપ વિભાગ છાતી ફૂલાવી કહે છે, અમે 370 દુકાનો ચેક કરી. સરેરાશ દરેક જિલ્લામાં 10 કેસ દાખલ કર્યા અને રૂ. 6.79 લાખની (તોતિંગ) સરકારી આવક માંડવાળ ફી ના રૂપમાં પ્રાપ્ત કરી. આ જાહેર કરવામાં આવેલી કામગીરીઓનો અર્થ એવો થઈ શકે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કયાંય પણ સોના-ચાંદીબજારમાં કશું જ ગંભીર રીતે ખોટું થઈ રહ્યું નથી. નિયમપાલનના જે ભંગ છે, એ એકદમ પરચૂરણ છે.
એમાંયે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના કેટલાંક જિલ્લાઓમાં તો આ વિભાગે કરેલી કામગીરીઓના આંકડાઓ પણ સંતાડવામાં આવ્યા છે. આ ઉપરાંત તહેવારોના દિવસો દરમ્યાન મિઠાઈ-ફરસાણના ધંધાર્થીઓને ત્યાં, આખા રાજ્યમાં માત્ર 126 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી. જેમાં પણ કયાંય મોટો દંડ નહીં, કારણ કે રાજ્યમાં એક પણ ધંધાર્થી ગંભીર ગુનો કરતો નથી. પરચૂરણ કાયદાભંગ કરે છે- તેમ તોલમાપ વિભાગની કામગીરીઓના આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે.
પેટ્રોલ, ડીઝલ, જંતુનાશક દવાઓ, ખાતર, બિયારણ તથા ખેતીના સાધનોના ધંધાર્થીઓને ત્યાં પણ તોલમાપ વિભાગના અધિકારીઓ ‘મહેમાન’ બન્યા હતાં પરંતુ આ વિભાગની કામગીરીઓ પરથી એવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે કે, ગુજરાતના બધાં જ ધંધાર્થીઓ ‘સારાં માણસો’ છે. કયાંય, કોઈ જ કુંડાળાઓ ચાલતાં નથી. સમગ્ર રાજ્યમાં બધાં જ બિઝનેસમાં સારાં ‘સંસ્કાર’ જોવા મળી રહ્યા છે.
અનાજના રાજ્યભરમાં પથરાયેલા ગોદામોની વાત હોય કે પછી આખા રાજ્યના હાઈ-વેઝ પર ધમધમતી હોટેલોની વાત હોય, એકંદરે બધે, બધું જ ‘બરાબર’ ચાલી રહ્યું છે. કયાંય ગ્રાહક લૂંટાતો નથી, છેતરાતો નથી. તોલમાપના બધાં જ સાધનો અને માપિયા વગેરે બધું જ બરાબર દેખાઈ રહ્યું છે. ટૂંકમાં, તોલમાપ વિભાગની ધંધાર્થીઓ પર ‘ધાક’ છે. તોલમાપ વિભાગ ખુદની કામગીરીઓની, ખુદ પ્રસંશાઓ કરી રહ્યો છે.

























































