Mysamachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ એ પછી તેને ખાસ અદાલત સમક્ષ રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, અદાલતે આ અધિકારીના 7મી જાન્યુઆરી સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ કલેક્ટર કચેરીના બિનખેતી વિભાગના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDએ પકડી લીધો હતો જેને અદાલતે જેલમાં મોકલી આપ્યો છે.
ખેતીની જમીનોને બિનખેતી કરી આપવી એ કામ કલેક્ટર કચેરીઓમાં બહુ ઝડપથી થતું હોય છે અને એમાં કચેરીના લગભગ ટેબલના ખાના સમૃદ્ધ થતાં રહેતાં હોય છે, જેમને ‘ભાગ’ નથી મળતો હોતો તે પૈકી કેટલાંક અધિકારીઓ અથવા કર્મચારીઓ આ કુંડાળાઓની વિગતો ‘બહાર’ મોકલી આપતાં હોય છે અને આવી માહિતીઓના આધારે અત્યાર સુધીમાં ઘણાં કલેક્ટર હડફેટમાં ચડી ગયા છે જેમાં શર્માથી માંડીને લાંગા સુધીના કેટલાંયે કલેક્ટર અંટાઈ ગયા છે. જેવા જેના નસીબ.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો છે. આ કેસ સીધો જ દિલ્હીની સૂચનાઓ મુજબ આગળ વધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોની જમીનોના પ્રકાર ‘બદલી’ આપવાની સમગ્ર પ્રોસેસમાં ચાલતાં કુંડાળાઓ માત્ર એક જ અરજીના કારણે ‘બહાર’ આવી ગયા બાદ આ સમગ્ર કલેક્ટર કચેરીના ગ્રહ વંકાયા છે. આ મામલો સમગ્ર રાજ્યની IAS લોબીમાં લાંગા પ્રકરણ માફક હોટકેકની માફક ચર્ચાઓમાં છે.

























































