Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોથી માંડીને છેક ગાંધીનગર સચિવાલય સુધી ભ્રષ્ટાચારની રાડ છે, વિવિધ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનેક લાંચિયા તત્ત્વો ઝડપાઈ રહ્યા છે. સરકારની છાપ દિવસે દિવસે વધુ બગડી રહી છે. આ સ્થિતિઓ નિવારવા હવે, જ્યાં ભ્રષ્ટાચાર થઈ શકે એમ હોય, એ તમામ દરવાજા બંધ કરવા, વર્ષમાં બે વખત બધી જ કચેરીઓનું ઈન્સ્પેક્શન શરૂ થયું છે.
કચેરીઓમાં ચાલતાં સેટિંગ અને ભ્રષ્ટાચાર સંબંધે વિજિલન્સ કચેરીને અસંખ્ય ફરિયાદો અને રજૂઆત મળતી હોય છે. બધાં જ કિસ્સાઓમાં તપાસ શક્ય નથી હોતી. આથી હવે વિજિલન્સ વિભાગની સૂચનાઓ મુજબ બધી જ કચેરીઓ પર બાજનજર રાખવા, ભ્રષ્ટાચારની બારીઓ બંધ કરવા કચેરીઓમાં ઈન્સ્પેક્શન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. જેની શરૂઆત દરેક જિલ્લાઓની રમતગમત કચેરીઓથી શરૂ થઈ હોવાનું બહાર આવ્યું છે.
-આ ઈન્સ્પેક્શન દરમ્યાન શું શું તપાસણીઓ થશે ?..
અત્રે ઉલ્લેખનિય છે કે, કચેરીઓમાં ભ્રષ્ટાચાર માટે અમુક નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવતો હોય છે. નાગરિકોની કનડગત થતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ નાગરિકોને સહકાર આપતાં નથી. ઘણી વખત અધિકારીઓ અને કર્મચારીઓ કોઈની ખોટી તરફેણ કરતાં હોય છે. નાગરિકો વિવિધ પ્રકારની અરજીઓ કરતાં હોય છે. તંત્ર અરજીઓ પર બેસી જતું હોય છે. અરજીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હોતો નથી. અરજીઓનો ક્રમ મુજબ નિકાલ કરવામાં આવતો નથી. કામગીરીઓ સંબંધે નાગરિકોને જાણ કરવામાં આવતી હોતી નથી. અરજદારો પાસે બિનજરૂરી દસ્તાવેજ માંગવામાં આવે છે. માહિતીઓની પૂર્તતા કરવામાં આવતી નથી. બાંધકામ, ખરીદી અને ટેન્ડર પ્રોસેસ વગેરેમાં ઘણી વિગતો છૂપાવવામાં આવે છે. આ પ્રકારની બાબતો સંભવિત ભ્રષ્ટાચાર માટે થતી હોય છે. હવે સરકાર બધાં જ વિભાગોમાં દર છ મહિને, વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરશે. આ તમામ રિપોર્ટ્સ ગાંધીનગર પહોંચશે. સરકારની તંત્રો પરની પક્કડ વધશે. અધિકારીઓ અને કર્મચારીઓ મનમાનીઓ નહીં કરી શકે, કામો કરવા પડશે.

























































