Mysamachar.in-જામનગર:
જામનગરમાં ભાજપાના કાર્યક્રમોમાં કાયમ એકદમ શાંતિ અને શિસ્તના દર્શન થતાં હોય છે, પરંતુ કાલે અચાનક એક જાહેર કાર્યક્રમમાં મહિલાઓએ નારા લગાવતા પક્ષના આ ચૂંટણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અચરજમાં મૂકાઈ ગયા હતાં. આ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ મહિલા નેતા- પૂર્વ મંત્રી પણ ઉપસ્થિત હતાં.
જામનગરમાં કાલે મંગળવારે ભાજપા દ્વારા લોક સંપર્ક માટેનો એક ચૂંટણી સંબંધિત કાર્યક્રમ શહેરના વોર્ડ નંબર પાંચમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી સુરેશ વસરા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પૂર્વ મેયરો બિનાબેન કોઠારી અને અમીબેન પરીખ તથા વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. મોદી પરિવાર કી સભા નામનો આ કાર્યક્રમ શરૂ થયો ત્યાં જ, કેટલાંક મહિલાઓ અચાનક, પોલીસની હાજરીમાં જ, કાર્યક્રમમાં ધસી આવ્યા અને રૂપાલા હાય હાય ના નારા ઉંચા અવાજે પોકારાયા,
આથી ભાજપાના સૌ અગ્રણીઓ છોભીલા પડી ગયા હતાં અને માઈક પરથી આ સભામાં એમ પણ કહેવાયું કે, પોલીસ…આને પકડો….આ બબાલનો વીડિયો વાયરલ થતાં જામનગરમાં ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પક્ષના કાર્યાલયના ઉદઘાટન વખતે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજના યુવાનોએ ખુરશીઓ ઉડાડી રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા હતાં. આમ, સમગ્ર હાલારમાં ચૂંટણીઓ ટાણે ભાજપાના કાર્યક્રમોમાં બબાલ થતી હોય, પક્ષમાં નવાજૂનીની ભીતિ સેવાઈ રહી છે. જામનગર શહેરમાં ચૂંટણી કાર્યક્રમમાં થયેલી આ બબાલમાં રાજપૂત સમાજના મહિલાઓ હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે, વિરોધ કરનારા મહિલાઓએ સ્ટેજ પર પહોંચી ખુરશીઓ ઉઠાવી લીધી હતી. જેથી આ કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી.