Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં અને આસપાસના પંથકોમાં અવારનવાર જમીન વિવાદો ઉભા થતાં રહે છે. આ પ્રકારની વધુ એક ફરિયાદ જામનગર નજીકના સિક્કા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. આ ફરિયાદ એક વૃદ્ધાએ દાખલ કરાવી છે, જેમાં આરોપી તરીકે એક વકીલનું પણ નામ લખાવવામાં આવ્યું હોય, આગામી દિવસોમાં આ મામલો મોટો બની શકે છે. સિક્કા પોલીસમાં 73 વર્ષના રંજનબેન નરશીભાઈ સુમરીયાએ આ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી વૃદ્ધા જામનગર તાલુકાના વસઈ ગામના રહેવાસી છે. જેમણે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેમની સામે આરોપ છે તેમાં એક વકીલ હોવાનું દર્શાવ્યું છે.
આ વૃદ્ધાએ ફરિયાદમાં એમ લખાવ્યું છે કે, હું અભણ મહિલા છું અને એકલવાયું જીવન જિવું છું આથી મારી પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા, વસઈ ગામ નજીક આવેલી મારી ખેતીની જમીન, જે આશરે 1-35-31 હેક્ટર જેટલી છે અને તે જમીનની બજારકિંમત આશરે રૂ. દસેક કરોડની લેખી શકાય તે જમીન પચાવી પાડવા માટે, 4 આરોપીઓએ પૂર્વયોજિત કાવતરૂં આચરી, મારાં એટલે કે ફરિયાદીના નામનો ખોટો વેચાણકરાર બનાવાયો છે.
આ ફરિયાદમાં વધુમાં ફરિયાદીએ એમ કહ્યું છે કે, આ વેચાણકરારમાં મારાં અંગૂઠાનું ખોટું નિશાન લેવામાં આવ્યું છે. ખોટી ઓળખ આપવામાં આવી છે. ખોટાં સાક્ષી પુરાવાઓ આપ્યા છે અને આ વેચાણકરારને સાચો દેખાડવા વેચાણકરારની ખોટી નોટિસ આપી, આ ખોટા વેચાણકરારને અદાલતમાં સાચા વેચાણકરાર તરીકે રજૂ કરવાનો ગુનો પણ આચરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વસઈ સહિતના જામનગર તાલુકાના દ્વારકા ધોરીમાર્ગ પરના કેટલાંક ગામોમાં અવારનવાર જમીનવિવાદો થતાં રહે છે. વસઈની આ ફરિયાદમાં વૃદ્ધા ફરિયાદીએ આરોપીઓ તરીકે સવદાસ અરજણ ચાવડા(રાજકોટ), કિશોર હેમગર ગુસાઈ(ટીંબડી), પુંજા કારૂ કરમૂર (બેરાજા ગામ, તા. ખંભાળીયા) અને વકીલ રણછોડ નરશી પરસાણાના નામો લખાવ્યા છે.

























































