Mysamachar.in-જામનગરઃ
જામનગર શહેરમાં ઓશવાળ-3 વિસ્તારમાં રહેતા પ્રોફેસરની ઘરમાં પાર્ક કરેલી કાર પર ફાયરિંગ મામલે એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. ઘટનામાં ફરાર વધુ ચાર આરોપીને એસઓજીએ દબોચી લીધા છે. બે દિવસ પહેલા જ ફાયરિંગકાંડમાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની ધરપકડ કરવામાં આવી હતી, અને તે હાલ રીમાન્ડ પર છે,ફાયરીંગ કરવા પ્રોફેસરના બંગલા પર પહોચેલા છ શખ્સોમાંથી બે કુખ્યાત શખ્સોને અમદાવાદ એટીએસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા બાદ અન્ય ચાર શખ્સો ને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે,
ત્યારબાદ SOG ટીમના અરજણભાઈ કોડીયાતર, ઘનશ્યામ ડેરવાડીયા ને બાતમી મળી હતી કે ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી નિલેશ ઉર્ફે કાબો પરમાર, સંદિપ ઉર્ફ સેન્ડીયો બારડ, આશિષ ઉર્ફ ચંપાકુંજ રાઠોડ અને નિલેશ ઉર્ફે હક્કો મકવાણા નામના આરોપી ખંભાળિયા તરફથી ખાનગી વાહનમાં આવી રહ્યાં છે. ત્યારે એસઓજી ટીમે સિક્કા પાટીયા પાસે વોચ ગોઠવી ચારેયને દબોચી જામનગર LCBને સોંપ્યા છે, ઉલ્લેખનીય છે કે ફરિયાદી જમીન દલાલીનું કામ કરતાં પ્રોફેસર પરસોતમ રાજાણીએ લાલપુર બાયપાસ ક્રિષ્નાપાર્કના પ્લોટ માલિક મહેશ વારોતરિયાની પ્લોટ વેચાણની દલાલી કરી હતી. આ પ્લોટ માલિક મહેશ વારોતરિયાએ આરોપી જયેશ રાણપરીયા વિરુદ્ધ અગાઉ જમીનના વાદ વિવાદ અંગે ત્રણ કેસ કર્યા છે. આથી ક્રિષ્નાપાર્કના પ્લોટનો સોદો કેન્સલ કરવા માટે આરોપી જયેશ પટેલે પ્રોફેસર રાજાણીને વોટ્સએપ કોલ કર્યો હતો. જો કે રાજાણીએ સોદો કેન્સલ નહીં કરાવતા તેના ઘરે પાર્ક કરેલી કાર પર અને હવામાં ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું અને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.