My samachar.in: જામનગર દેવભૂમિ દ્વારકા
હાલાર સહિત સમગ્ર રાજ્યમાં નકલી બની ‘તોડ’ કરતાં શખ્સો વિરુદ્ધ ઉપરાઉપરી ફરિયાદો નોંધાઈ રહી છે અને ઘણાં નકલી પકડાઈ ગયા હોવાનું પણ જાહેર કરવામાં આવે છે. જો કે પછી આવા મામલા તપાસના ઢગલા નીચે કયાંક દબાઈ જતાં હોય, ‘અસલી’ ખેલ ભાગ્યે જ બહાર આવતો હોય છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે દ્વારકા અને જામનગર એમ બંને જિલ્લાઓમાં ઉપરાઉપરી આવા 2 મામલા જાહેર થતાં સૌ જાણકારોને અચરજ થઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે જાહેર કર્યું કે, અમે એક નકલી CID અધિકારીને પકડી પાડ્યો છે. ખંભાળિયાની પોલીસ તથા ટ્રાફિક શાખા કોમ્બિંગ નાઈટ દરમિયાન રાઉન્ડમાં હતી ત્યારે, ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ધરમપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ વખતે, GJ-38-BF-5050 નંબરના વાહનમાં 2 શખ્સો એવા મળી આવ્યા, જેમાંનો એક શખ્સ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર(38) પોતાને CID નો અધિકારી ગણાવી રહ્યો હતો. આ શખ્સ બાવળા (અમદાવાદ)નો છે. તેની સાથેના શખ્સનું નામ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદીયા (32) છે, તે પણ બાવળાના ગાંગડ ગામનો જ છે. આ શખ્સો પાસેથી બનાવટી ઓળખકાર્ડ અને બિયર-શરાબ પણ મળી આવેલ છે.
આ શખ્સોએ પોતાના વાહનને એવો લુક આપ્યો છે જાણે કોઈ ઉચ્ચ અધિકારીનું વાહન હોય, ફલેશિંગ લાઈટ અને સાયરન તથા બોર્ડ વગેરે બધું જ વાહનમાં હતું. આ શખ્સો વિરુદ્ધ અલગઅલગ ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. હમણાં થોડા સમય અગાઉ પણ ખંભાળિયાનો એક શખ્સ અને એક યુવતી આ રીતે કારમાં બોર્ડ લગાવી અધિકારી તરીકેનો રોફ જમાવતા ઝડપાઈ ગયેલા. જો કે એ પ્રકરણ હાલ કોઈને યાદ પણ નથી, ત્યાં આ બીજું પ્રકરણ ચોપડે ચડી ગયું.
આવો જ એક અલગ ઢંગનો મામલો જામનગર પોલીસમાં પણ નોંધાયો. અહીં એક શખ્સ પોતે SOG PI નો રાઈટર બોલે છે એમ કહી એક યુવાનને દબડાવી ધમકાવી રૂ. 1.57 લાખની છેતરપિંડી કરી ગયો, એવી પોલીસ ફરિયાદ દાખલ થઈ.
જામનગરમાં ખાદીભંડાર સામે નવી વાસમાં આંબલી ફળી વિસ્તારમાં રહેતાં 19 વર્ષીય વેપારી યુવાન મોહમ્મદરિયાન ઈમ્તિયાઝભાઈ શેખએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફલાણા ફલાણા મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સે આ ફરિયાદીને પોતે SOG PI નો રાઈટર બોલે છે એવી ઓળખ આપી, બે કટકે ફરિયાદી પાસેથી રૂ. 1.57 લાખ છેતરપિંડીથી મેળવી લીધાં. આ લેતીદેતી શહેરના માંડવી ટાવર વિસ્તારમાં ગત્ 28 માર્ચે બપોરના સમયે થયેલી, જેની ફરિયાદ ગત્ શનિવારે દાખલ કરાવવામાં આવી.
ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના એટલે કે ફરિયાદીના મામા મોસિન સતાર સાટી માદક દ્રવ્યના એક કેસમાં હાલ જેલમાં છે અને ફરિયાદી પોતાના આ આરોપી મામાને મદદ કરી રહ્યો છે એમ જણાવી તથા તને પણ SOGવાળા ઉપાડી જશે એમ ધમકી આપી આ આરોપીએ ફરિયાદી પાસેથી કટકે કટકે રૂ. 1,02,000 ઓનલાઈન મેળવી લીધાં. ફરિયાદી વધુમાં કહે છે: છેતરપિંડી કરનાર આ શખ્સે એમ પણ ધમકી આપેલી કે, તારાં મામાના મદદગાર તરીકે અમે મુંબઈવાળા ઝુબેરને ઉઠાવી લેશું અને તેની પાસેથી રૂપિયા ચાર પાંચ લાખ લઈશું.
ત્યારબાદ, આ ‘નકલી’ રાઈટરે આ ફરિયાદી સાથે વાતો કરી, બીજા રૂપિયા 55,000 પણ આ રીતે મેળવી લીધાં ! આ દરમિયાન ‘નકલી’એ ફરિયાદીને એમ પણ કહેલું કે, તારાં બધાં રૂપિયા હું ‘પરત’ આપી દઈશ ! આમ, આ સમગ્ર મામલામાં ફરિયાદીએ કુલ રૂ. 1.57 લાખ ગુમાવી દીધાં, એમ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. પોલીસ ‘નકલી’ રાઈટરને શોધી રહી છે.