Mysamachar.in:ગાંધીનગર:
વિદ્યાર્થીઓના ભાવિનો અને દેશના વિકાસનો આધાર શિક્ષણ પર હોય છે. જો વિદ્યાર્થીઓને ભણાવનાર ખુદ સજ્જ અને સક્ષમ હોય તો જ તેઓ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકે અને વિદ્યાર્થીઓને હોંશિયાર બનાવી શકે પરંતુ શિક્ષક બનવા માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેનાં આંકડાઓ દેખાડે છે શિક્ષક બનવા થનગનતા ઉમેદવારો ખુદ ઠોઠ છે, 60 ટકા ઉમેદવારો નાપાસ થયા.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની ટાટ ટેસ્ટની પ્રિલીમ પરીક્ષા ગત્ 13મી ઓગસ્ટે લેવામાં આવેલી. જેમાં 1,03,919 ઉમેદવાર હતાં. તે પૈકી 43,929 ઉમેદવાર આ પરીક્ષામાં પાસ થયા બાદ, ગત્ 17મી સપ્ટેમ્બરે આ ઉમેદવારોની મેઈન કસોટી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 41,250 ઉમેદવાર હાજર રહ્યા હતાં. જે પૈકી 15,233 ઉમેદવાર જ પાસિંગ માર્ક મુજબ ભરતીના ફોર્મ ભરવા માટે લાયક બની શક્યા છે એટલે કે, કુલ ઉમેદવાર પૈકી 60 ટકા ઉમેદવાર અલાયક પૂરવાર થયા.
રાજયની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 11 અને 12 માટેના શિક્ષકોની આશરે 6,500 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે ! જે માટે હવે આ કવોલિફાઈ થયેલાં 15,233 ઉમેદવાર પૈકી પસંદગીઓ થશે અને ખાલી જગ્યાઓ ભરવા ભરતી પ્રક્રિયાઓ થશે. આંકડાઓ પરથી જોઈ શકાય છે કે, અન્યને ભણાવવા ઈચ્છતા આ ઉમેદવારો પૈકી 60 ટકા ઉમેદવાર ખુદ પરીક્ષાઓમાં પાસ થઈ શકતાં નથી.