Mysamachar.in: વલસાડ
વલસાડ પોલીસે એક ગેંગ ઝડપી પાડી છે તે ગેંગના ઈસમો પ્લાસ્ટિકના બનાવેલ ફૂલો વેચવા નીકળતા અને બાદ તે વિસ્તારમાં તેઓને એવું લાગે કે આ વ્યક્તિને સહેલાઈથી છેતરી શકાશે તેવા દુકાન માલિક કે વ્યક્તિ સાથે કોઇ વસ્તુ લેવાનાં બહાને કે અન્ય રીતે વાતચીત કરતા બાદ આરોપીઓ પોતે કન્સ્ટ્રકશનનું કામ કરતા હતા ત્યારે ખોદકામ કરતી વખતે સોનુ મળેલ છે તેવું કહેતા. જો તે દુકાનદાર/વ્યક્તિ સોનુ લેવાની તૈયારી બતાવે તો તેને સાચા સોનાનો એક મણકો સેમ્પલ તરીકે આપી દેતાં. આ સેમ્પલ દુકાનદાર જો કોઈ સોની પાસે ચેક કરાવે તો તે સાચું હોવાથી તે દુકાનદાર વ્યક્તિને આરોપીઓ પર ભરોસો આવી જતો. બાદ આરોપીઓ તે દુકાનદાર વ્યક્તિને બીજી વાર સાચા સોનાને બદલે નકલી સોનુ આપી છેતરપિંડી કરતા હોવાની સામે આવેલ હકીકત પરથી પોલીસે આ મામલાનો ભેદ ઉકેલ્યો છે
વલસાડ SOGની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે પારડી કુમારશાળા પાસે, હાઇવેના સર્વિસરોડની બાજુમાંથી 2 ઇસમોને (1) સોનાના મણકા કુલ નંગ-29, (2) પીળી ધાતુની માળા નંગ-૦1, (3) ચાંદીના ગોળ રાણી સીક્કા નંગ-05, (4) રોકડ રકમ રૂા. 1 લાખ (5) મોબાઇલ ફોન નંગ-03 વગેરે મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઇસમો પાસે મળી આવેલ મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવાઓ માંગતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી વલસાડ SOGની ટીમે આ ઇસમોની યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા જીતેન્દ્રકુમાર ઉર્ફે અશોક ગડ લાલારામજી વાઘેલા અને અર્જુનકુમાર ભીમાજી સોલંકી હોવાનું જણાવ્યું હતું.
બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ ઇસમોના પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે પુછતા એકાદ મહિના પહેલા સરીગામના એક વ્યક્તિને સાચુ સોનુ આપવાના બહાને તેને ખોટી ધાતુની બનેલી માળા આપી તેની પાસેથી રૂા.50 હજાર/- પડાવી લીધેલ. ત્યારબાદ ગઇ તા.21 માર્ચ 2024 ના વાપી હનુમંત રેસીડેન્સી ખાતે રહેતા વ્યક્તિ પાસેથી રૂા.10 હજાર લીધા હતા. અને આ જ વ્યક્તિને એક કિલો સોનું ખરીદવા માટે તા.29 માર્ચ 2024ના રોજ રૂા.5 લાખ સાથે વલસાડ બસ સ્ટેશનથી થોડે દુર ચા ની દુકાન ઉપર બોલાવેલ અને અમો બન્નેએ એક સોનાની માળા બતાવી હતી. અને પૈસા આપી દેવા જણાવેલ પરંતુ સદર વ્યક્તિએ આ સોનાની ખરાઇ કરવા સોનીની દુકાને આવવા જણાવતા અમે બન્ને ત્યાથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓની કબુલાત બાદ એસઓજી પોલીસે આ ગેંગ ક્યારથી આવા છેતરપીંડીના ધંધા આચરતી હતી અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ કોને કોને શિકાર બનાવ્યા તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.