Mysamachar.in-જામનગર:
જામનગરના પટેલકોલોની જેવા મહત્વપૂર્ણ વિસ્તારમાં બાંગ્લાદેશીઓનો વસવાટ ‘બહાર’ આવ્યો ! આ વિદેશીઓ અહીં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, એમ જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ વિદેશીઓ જે મકાનમાં વસવાટ કરે છે, તે મકાનનો માલિક અને આ વિદેશીઓ એકમેકના સંપર્કમાં કેવી રીતે આવ્યા ? આ પ્રકારના અજાણ વિદેશીઓને મકાનમાલિકે પોતાનું મકાન, કોઈ જ ડર કે દહેશત વગર ભાડે કેવી રીતે આપી દીધું ? અને, પકડાયેલા આ 5 બાંગ્લાદેશીઓ અહીં આખો દિવસ અને રાત્રે શું પ્રવૃત્તિઓ કરતાં હતાં ? વગેરે પ્રશ્નો સપાટી પર ઉભરી આવ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરના રામેશ્વરનગર જેવા વિસ્તારોમાં પણ ચાઈનીઝ અથવા ઉત્તર પૂર્વના રાજ્યોના લોકો જેવા દેખાતાં અજાણ મહિલાઓ અને પુરૂષો નોંધપાત્ર સંખ્યામાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે, જામનગર જેવા સંવેદનશીલ શહેર અને જિલ્લા માટે આ આખો વિષય અતિ ગંભીર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
દરમ્યાન, પટેલકોલોની શેરી નંબર 11માં ગુલામમયુદીન અબ્દુલકરીમખાન ગાગધાણીના મકાનમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતાં પકડાઈ ગયા એ બાબત જાણવા મળે છે કે, જે 2 પુરૂષ અને 3 મહિલા બાંગ્લાદેશી અહીં પકડાયા તે પૈકી 2 મહિલાઓ આ ભાડાંના મકાનમાં ‘નોંધપાત્ર’ સમયગાળાથી વસવાટ કરી રહી છે. ત્રીજી મહિલા તાજેતરમાં અહીં આવી છે. અને, 2 પુરૂષો પણ અહીં કેટલાંક સમયથી વસવાટ કરી રહ્યા છે ! મકાનમાલિક આ બધી સંવેદનશીલ વિગતોથી અજાણ હોય શકે ?
આ બધાં વિદેશીઓ એવા છે જેમની પાસે ભારત, ગુજરાત કે જામનગરમાં રહેવાની ભારત સરકારની કોઈ જ મંજૂરીઓ નથી. આમ છતાં આ મકાનમાલિકે આ અજાણ વિદેશીઓને આટલાં સમયથી અહીં નાણાંના બદલામાં આશરો શા માટે આપ્યો ? આ અજાણ વિદેશીઓ આ મકાનમાલિક સુધી કોની મદદથી પહોંચી ગયા ?! આ વિદેશીઓ આટલાં સમયના તેમના વસવાટ દરમ્યાન જામનગર શહેર અને જિલ્લામાં કોના કોના સંપર્કમાં આવ્યા ? તેઓએ અત્યાર સુધીમાં નાણાંનો જે કાંઈ ખર્ચ કર્યો, એ નાણાંનો સ્ત્રોત શું ? અને, આ અજાણ વિદેશીઓ કોઈ રેકેટમાં સંકળાયેલા છે કે કેમ ? આ અજાણ વિદેશીઓએ વસવાટ માટે ‘જામનગર’ જ શા માટે પસંદ કર્યું ?! વગેરે પ્રશ્નો સંવેદનશીલ લેખી શકાય.
આ અજાણ 5 વિદેશીઓ પૈકી 4 પાસે આધારકાર્ડ છે, જે પૈકી 3 આધારકાર્ડ ગુજરાતમાં બન્યા ? કોણે અને શા માટે તથા કેવી રીતે આ આધારકાર્ડ બની ગયા ? એક આધારકાર્ડ મહારાષ્ટ્રમાં બન્યું છે. આ અજાણ વિદેશીઓ મહારાષ્ટ્રમાં પણ સંપર્કો ધરાવે છે ? આ મામલામાં મહારાષ્ટ્ર અને જામનગરને શું કનેક્શન છે ? વગેરે બાબતોની તપાસ થાય ત્યારે, આ અજાણ વિદેશીઓની આખી કુંડળી અને સંભવિત કુંડાળાઓ બહાર આવી શકે. આ અજાણ વિદેશીઓનો મામલો અતિશય સંવેદનશીલ છે અને હાલ બાંગ્લાદેશ અને ભારતના સંબંધો કેવા છે, એ પણ જગજાહેર છે. જામનગર SOGએ આ અજાણ વિદેશીઓને શોધી કાઢ્યા છે. આ મામલામાં સિટી બી ડિવિઝન પોલીસ પણ તપાસ ચલાવી રહી છે. સમગ્ર જામનગરના લોકો આ મામલાની ઝીણામાં ઝીણી વિગતો જાણવા આતુર છે.

























































