Mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે શહેરના ખોજાનાકા વિસ્તાર પાસે આવેલ ટીટોડીવાડી નજીક એક સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આ મામલાની તપાસ હાથ ધરી હતી અને લાશ મળી આવવાની મોડી રાત્રે આ લાશ ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જે કાનાબાપુના નામથી ઓળખાતા હતા તેની હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર શહેરમાં આ મામલાએ ભારે ચકચાર મચાવી દીધી હતી,
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો કલાકોમા જ પડતાં દોષીતોને ઝડપી પાડવા ખારવા સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં અંતે ગતરાત્રીના જામનગર એલસીબી ટીમને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે,
ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈની હત્યા લૂંટના ઇરાદે જ કરવામાં આવી હોવાનુ ખુલવા પામ્યું છે,આજે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, આ હત્યાનો ભેદ ઉકેલાય તે માટે અત્યાર સુધીમાં ૩૦ જેટલા શકમંદોની પૂછપરછના અંતે ઉબેદ અબ્દુલભાઈ ઘાંચી અને જાકીર સિદ્દીકભાઈ જુણેજા નામના બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે,ગતસાંજે એલસીબી પીએસઆઇ ગોજિયા અને ટીમના મિતેશ પટેલ,ફિરોજ દલ, કમલેશ રબારી સહિતનાઓને બાતમી મળેલ કે આ ખૂન કેસમાં સંડોવાયેલા બે ઇસમો રાજકોટ નાસી જવાની પેરવીમાં હોય, તેને દરબારગઢ નજીકથી ઝડપી તેની સઘન પૂછપરછ કરતાં તેમણે જ આ હત્યા અને લૂંટને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરેલ છે,
બંને હત્યારાઓ વિધિ કરવાને બહાને હરેશભાઈ જે કાનાબાપુ ને નદીના પટ તરફ લઈ ગયા હતા,જ્યાં પહેલા બે ઘા છરીના માર્યા બાદ તે જીવીત ના રહે,તે માટે મોટા પથ્થરોના ઘા પણ તેના શરીર પર માર્યા હતા અને હત્યા કર્યા બાદ લાશને પાઇપમાં રાખી અને લાશની ઓળખ ન થાય તે માટે બંને શખ્સો નજીકના એક પેટ્રોલ પંપ પરથી એક કેનમાં ૨.૫ લીટર પેટ્રોલ લાવ્યા હતા અને મૃતક કાનાભાઇની લાશ પર આ પેટ્રોલ છાંટી અને લાશને સળગાવી દઈ પુરાવાનો નાશ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો,
આ બધુ કરતાં પહેલા તેઓએ કાનાબાપુંએ પહેરેલા એક સોનાની ચેઇન,સોનાની લકકી અને બે મોબાઈલની લૂંટ પણ કરી હતી. હત્યા કરનાર બંને શખ્સોને પૈસાની જરૂરિયાત હોય સાતેક દિવસ પૂર્વે પ્લાન કરી અને કાનાબાપુને નદીના પટમાં વીધી કરવાના બહાને લઈ ગયા હતા અને જ્યાં આખી ઘટનાને ખુબ જ ચાલાકીથી પણ ક્રૂર રીતે ઘટનાને અંજામ આપ્યો હતો,
પણ અંતે પોલીસ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ,બાતમીદારો સહિતના માધ્યમોનો ઉપયોગ કરી હત્યારાઑ સુધી પહોંચવામાં સફળ રહી છે અને આ હત્યાનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.