Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓમાં જુદાજુદા કારણોસર આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિઓ નિવારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સૌ સંબંધિતોએ તેનું પાલન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં મેડિકલ કોલેજ સહિતની કોલેજોમાં અને યુનિવર્સિટીઝમાં વિદ્યાર્થીઓના આપઘાતોનું પ્રમાણ વધી રહ્યું છે. લાખો વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા સરકાર આ બાબતે ચિંતિત છે. આ સ્થિતિઓ અંકુશમાં લેવા સરકારે આ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
આ માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, આ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓને માનસિક સધિયારો આપવાનો રહેશે. વિદ્યાર્થીઓ આપઘાત કરવા તરફ ન પ્રેરાય તે માટે તેમની માનસિક હાલતનું ધ્યાન રાખી, એમના તણાવો ઘટાડવાનો પ્રયાસ કરવાનો રહેશે અને આ માટે આ તમામ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની સંસ્થાઓમાં દર 100 વિદ્યાર્થીઓદીઠ 1 કાઉન્સેલરની નિયુક્તિ કરવાની રહેશે.
રાજ્ય સરકારે મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત આ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં એમ પણ કહેવાયું છે કે, જે ખાનગી સંસ્થાઓ કોચિંગ ઈન્સ્ટીટયૂટ તરીકે કાર્યરત છે એમણે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, તેમની સંસ્થામાં શૈક્ષણિક દેખાવ કે પરિણામોના આધારે વિદ્યાર્થીઓને અલગ પાડવામાં ન આવે. જો આમ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ કે દબાણ સર્જાઈ શકે છે. મેન્ટલ હેલ્થ પોલિસીનો આશય એ છે કે, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિઓ મજબૂત બને અને તેમને સમયસર નિષ્ણાંતોની સલાહ-મદદ ઉપલબ્ધ થઈ શકે.






















































