Mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાતમાં બોગસનું પ્રમાણ બધાં જ ક્ષેત્રમાં એટલી હદે ધમધમી રહ્યું છે કે, હવે તો સાચાં કામોમાં પણ લોકોને શંકાકુશંકાઓ થવા લાગી છે. અને આવા બોગસ કામો અને બોગસ માણસો ઝડપાઈ જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જેને કારણે આડકતરી રીતે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. તેની સામે વધારાની કમાણી કરવા લોકો, જાતજાતના હથકંડા પણ અજમાવી રહ્યા છે.
મામલતદાર કચેરી સંબંધિત વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ બન્યું છે. અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા થયા છે, અને આ રીતે આચરવામાં આવેલું એક કૌભાંડ જાહેર થઈ ગયું. આ કૌભાંડીઓએ ઘણાં બધાં લોકોની સાથે આ કૌભાંડ ખેલી લીધું હોવાનું જાણવા મળેલ છે.
બનાસકાંઠાના અમીરગઢના મામલતદારના બનાવટી સહી સિક્કાઓ સાથે કોઈ અજાણ્યા શખ્સોએ અંદાજે 50થી વધુ લોકોને જમીનોના હુકમો આપી દીધાં છે. આ તમામ લોકો પાસેથી કૌભાંડીઓએ રૂ. અઢી-અઢી લાખ મેળવી પોતાના ખિસ્સામાં રૂ. 1.25 કરોડની રકમ ભરી લીધી, પછી આ મામલો બહાર આવ્યો અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ અજાણ્યા શખ્સો અંગે જાણકારીઓ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
બોગસ અધિકારીઓ, બોગસ વચેટીયાઓ, બોગસ સરકારી કચેરી, બોગસ ટોલનાકું- આવી યાદી નજીકના ભૂતકાળમાં લાંબી બની છે, એમાં આ બોગસ સહી સિક્કાઓનું કારનામું ઉમેરાયું. જે લોકોએ આ કૌભાંડીઓને અઢી અઢી લાખ રૂપિયા આપ્યા હોવાનું કહેવાય છે, તે લોકો આ કૌભાંડીઓના નામઠામ ન જાણતાં હોય ? તો પછી, આ ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ શા માટે દાખલ થયો ? કૌભાંડીઓના નામો અને સરનામા કોણ, શા માટે છૂપાવી રહ્યું છે ?
આ કથિત કૌભાંડ અમીરગઢ મામલતદાર કચેરી હેઠળના ઉમરકોટ ગામની જમીનોના નામે આચરવામાં આવ્યું છે. આ કૌભાંડીઓ અંગે હાલ કોઈ, કશું બોલવા તૈયાર નથી, આ સ્થિતિ વધુ શંકાઓ જન્માવી રહી છે. આ પ્રકરણની તપાસ તટસ્થ રીતે અને ઝડપથી થાય તે માટે સ્થાનિક પોલીસ પર દબાણ આવ્યું છે. એકાદ બે દિવસમાં ભેદ ખૂલશે એવું સમજાઈ રહ્યું છે. આ પ્રકરણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.