Mysamachar.in-સુરત:
સુરતના પૂણા વિસ્તારની એક યુવા શિક્ષિકા પોતાના જ વિદ્યાર્થી એવા એક તરૂણને લઈ ભાગી ગઈ હોવાના અહેવાલો બે દિવસ અગાઉ જાહેર થયા હતાં. આ મામલામાં તરૂણના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ પોતાના પુત્રના અપહરણની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે આ શિક્ષિકા અને તરૂણ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મળી આવ્યા.
બે દિવસ અગાઉ એમ જાહેર થયેલું કે, સુરતના પૂણા વિસ્તારની 23 વર્ષની એક શિક્ષિકા અને તેનો 11 વર્ષનો એક વિદ્યાર્થી ‘એકસાથે’ ગૂમ થયા છે. આ ગૂમનોંધ અને તરૂણના પિતાની પુત્રના અપહરણની ફરિયાદ પૂણા પોલીસ સુધી પહોંચી હતી. બાદમાં પોલીસે ટેક્નિકલ પુરાવાઓ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આ શિક્ષિકાની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
દરમિયાન, પોલીસે જાહેર કર્યું છે કે, આ શિક્ષિકા અને તરૂણ રાજસ્થાનથી પરત ગુજરાત તરફ આવી રહ્યા હતાં ત્યારે ટ્રાવેલ્સની એક બસમાં ઝડપાઈ ગયા છે. પોલીસ પૂછપરછમાં ખૂલેલી વિગતો અનુસાર, આ શિક્ષિકા સુરતથી તરૂણને સૌ પ્રથમ વડોદરા લઈ ગયેલી, બાદમાં બંને જયપુર અને દિલ્હી ગયા હતાં અને પરત આવતી વખતે રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની સરહદે ચેક પોસ્ટ પર ઝડપાઈ ગયા છે. જો કે, બિનસતાવાર એમ કહેવાય છે કે, શિક્ષિકા કંટાળો દૂર કરવા પોતાના વિદ્યાર્થીને લઈ ફરવા જતી રહી હતી. પરંતુ આ મામલાની સત્તાવાર પૂછપરછ અને વિગતો હવે પછી કદાચ બહાર આવી શકે. આ શિક્ષિકા-તરૂણ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાઓમાં છે.(symbolic image)
