Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં જમીનોનો કારોબાર છેલ્લા 2/3 દાયકાઓથી ખૂબ જ ચર્ચાઓમાં છે અને આ સમયગાળામાં રાજ્યમાં અબજો રૂપિયા ઈધર ઉધર થયા છે, એ હકીકતો પણ કોઈથી અજાણ નથી. દરમ્યાન, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ જમીન કૌભાંડ ખૂબ ગાજવીજ અનુભવી રહ્યું છે, તેથી એમ સમજાઈ રહ્યું છે કે, આગામી સમયમાં જમીનોના વહીવટ મામલે ગંધાતી ‘કોઠી’ ઉલેચાઈ શકે છે અને આ ગંદકીની દુર્ગંધ રાજ્યભરમાં ઘણાંના નાકમાં ઘૂસી જઇ શકે છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો બિનખેતી કૌભાંડમાં વારો ચડી ગયો છે. ED ની કવાયત તેજ બની છે. EDનું સંચાલન દેશના પાટનગરથી થઈ રહ્યું છે. અને, આ મામલે ACB દ્વારા SITની રચના પણ થઈ ચૂકી છે. એવા સમયે પાટીદારો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે અને આડકતરી રીતે, રાજધાની સંચાલિત ED કામગીરીઓને ‘પડકાર’ ફેંકવામાં આવ્યો છે ! સસ્પેન્ડ કલેક્ટર રાજેન્દ્ર પટેલની વહારે ચડી પાટીદારોએ વિરમગામના માંડલ ગામે રેલી યોજી રાજયભરની કલેક્ટર કચેરીઓને ‘ઉઘાડી’ કરવા બાબતે જે તીર છોડ્યું છે, તે તીર ‘ટપકતું લાલ’ બની જશે ? એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.
સસ્પેન્ડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થન માટે મેદાનમાં આવી ગયેલાં પાટીદારો કહે છે: રાજ્યમાં જમીન બિનખેતી કરાવવાનો કારોબાર રૂ. 500 કરોડનો છે. દરેક જિલ્લાઓમાં આ મુદ્દો આગામી સમયમાં, શિયાળામાં ‘તાપણું’ સળગાવી શકે છે. પાટીદારો કહે છે: ગુજરાતી IAS અધિકારીઓને ખોટાં આરોપ ઘડી ફસાવવામાં આવી રહ્યા છે. અહીં EDની કાર્યવાહીઓ પર આડકતરી શંકાઓ વ્યક્ત થઈ એ ગંભીર બાબત છે. રાજધાનીમાં આ પાટીદાર હુંકારના કેવા પડઘા ઉઠશે ?
માંડલમાં પાટીદારોએ રેલી યોજી આક્ષેપ કર્યા છે. પાટીદાર અનામત આંદોલનથી જાણીતાં બનેલાં વરૂણ પટેલ એવો પણ આક્ષેપ કરે છે કે, રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ષડયંત્ર થયું છે. તેમને આયોજનબદ્ધ રીતે ફસાવવામાં આવી રહ્યા છે.
રેલીને સંબોધતા વરૂણ પટેલએ દાવો કર્યો કે, દરેક જિલ્લાઓમાં જમીન N.A. કરવાના ‘ભાવ’ નક્કી છે. કોઈ દૂધે ધોયેલા નથી. ગુજરાતમાં મહિને અંદાજે 50 લાખ વાર જમીન બિનખેતી થાય છે, તે જોતાં આ કારોબાર 500 કરોડનો છે. IAS અધિકારીઓ, મળતિયા કર્મચારીઓના ખિસ્સામાં કરોડો રૂપિયા જાય છે. તમામ કલેક્ટર અને તેમના સંવર્ગ અધિકારીઓની મિલકતોની તપાસ થવી જોઈએ.
અહીં પાટીદારોએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે, પાટીદાર નેતાઓ હવે ખોડલધામ સહિતની અન્ય ચારેય પાટીદાર સંસ્થાઓનો સંપર્ક કરશે. આ સંસ્થાઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે. આગામી દિવસોમાં જુદાજુદા જિલ્લાઓમાં બિનખેતીના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવશે. અને, જે બિનગુજરાતી IAS અધિકારીઓએ પોતાના વતનમાં કરોડો રૂપિયાની જે મિલકતો વસાવી છે, તેનો પણ ભાંડાફોડ કરવામાં આવશે- આ પ્રકારની ગર્જના પાટીદારોએ વિરમગામના માંડલ ગામથી કરી છે. આગામી સમયમાં આ ગર્જનાના પડઘા ગુજરાતના રાજકારણમાં સંભળાય છે કે કેમ ? તેના પર રાજકીય નિરીક્ષકો નજર રાખીને બેઠાં છે.

























































