Mysamachar.in-બોટાદઃ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં રોજ દેશ વિદેશથી લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ મહારાજમાં લોકોની અતૂટ શ્રધ્ધા વસેલી છે ત્યારે કષ્ટભંજન દેવમંદિરમાં ભક્તો માટે વધુ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવી વિશાળકાય મૂર્તિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, વિશ્વમાં બીજે ક્યાંય પણ ના હોય તેવી બ્લેક ગ્રેનાઈટની 54 ફુટની આ એક માત્ર મૂર્તિ હોવાનું મંદિર દ્વારા જણાવાઈ રહ્યું છે.
54 ફૂટની બ્લેક ગ્રેનાઈટના પથ્થરમાંથી 500 ટન વજનની અને 24 ફૂટ પહોળાઈની વિશાળ હનુમાનજીની મૂર્તિનું કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાછળના ભાગમાં આવેલ મંદિર પરિસરમાં નિર્માણ કાર્ય હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે, શિલ્પ શાસ્ત્ર અનુસાર સમગ્ર મૂર્તિ નિર્માણમાં ક્યાંય પણ એક પણ પ્રકારના લોખંડનો ઉપયોગ કર્યા વગર આ વિશાળકાય મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે, આગામી હનુમાન જયંતિ સુધીમાં આ મૂર્તિ નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે 70થી પણ વધારે મજૂરો હાલ 24 કલાક કામ કરી રહ્યા છે.આ મૂર્તિ બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે, આ પથ્થરની ખાસિયત એ છે કે વર્ષો સુધી આ પથ્થર ને કોઈ નુકસાન થતું નથી. તેમજ કોઈ પણ ઋતુમાં આ પથ્થરને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.
આ મૂર્તિ 54 ફુટ ઉંચી, આશરે 500 ટન જેટલા વજનની, 24 ફુટની પહોળાઈ વાળી બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી બનવા જઈ રહી છે, આ મૂર્તિમાં 24 ફુટની ઊંચાઈ ધરાવતી ગદા પણ બનાવવામાં આવી રહી છે જે ગદાની પહોળાઈ 13 ફુટ છે, જ્યારે આ મૂર્તિ 54 ફુટ જમીનથી ઉપર બની રહી છે પરંતુ સાથે સાથે જમીનમાં પણ 4 ફુટ નીચે પણ બ્લેક ગ્રેનાઈટ પથ્થર માંથી આશરે 210 ટન વજનનું હનુમાનજીના પગ નીચે પણ પાયા બનાવવામાં આવી રહ્યા છે જેને લીધે મૂર્તિની મજબૂતી પણ જળવાઈ રહે ત્યારે આ પ્રકારની બેનમૂન મૂર્તિનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આશરે 70 જેટલા ખાસ કરીગરો આ કાર્ય 24 કલાક કરી રહ્યા છે, જ્યારે આ વિશાળકાય મૂર્તિના નિર્માણમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર લોખંડનો ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.