Mysamachar.in-ગાંધીનગર:
જમીન, મકાન, દુકાન, ગોદામ અને ખેતીની જમીનો- આ બધી જ મિલકતોના ખરીદ વેચાણ અને તેના રજિસ્ટ્રેશન સંબંધમાં, રાજ્યભરમાં અનેક પ્રકારના લોચા અને કૌભાંડ આચરવામા આવતાં રહે છે, અનેક પ્રકારના કાનૂની વિવાદ થતાં રહે છે અને અદાલતોમાં આવા અસંખ્ય કેસ ઉમેરાતા રહે છે.
આ સ્થિતિઓ વચ્ચે, નજીકના ભૂતકાળમાં રાજ્યની વડી અદાલતે એક વિવાદમાં ચુકાદો જાહેર કર્યો હતો અને જે-તે સમયે આ વિષય સંબંધે અદાલત અને સરકાર વચ્ચે કોમ્યુનિકેશન પણ થયું હતું. જે અનુસંધાને તાજેતરમાં સરકાર વતી એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં મિલકતો સંબંધિત કેટલીક બાબતોને લઈ સરકારે નિયમોનું પાલન કડક બનાવ્યું છે અને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે.
રાજ્યના મિલકત નોંધણી ઈન્સ્પેક્ટર જનરલ અને સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ જેનુ દેવનની સહીથી આ પરિપત્ર જાહેર થયો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે, કોઈ પણ 2 અથવા 2 કરતાં વધુ પક્ષકારો વચ્ચે એક વખત સેલડીડ એટલે કે વેચાણકરાર અમલમાં આવી જાય પછી, આ વેચાણકરાર કોઈ પણ એક પક્ષકાર ફોક કરી શકે નહીં. બંને તરફના પક્ષકારોની સહમતી ફરજિયાત બનાવવામાં આવી છે.
આ ઉપરાંત પરિપત્રમાં કહેવાયું છે કે, કોઈ પણ વ્યક્તિ મિલકત દસ્તાવેજ નોંધણી માટે અધિકારી સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે, તે વ્યક્તિની આધારભૂત અને કાયદાકીય ઓળખ કરવાની જવાબદારીઓ સંબંધિત અધિકારીની રહેશે. આ સાથે જ આ લીગલ પ્રોસેસમાં જે કોઈ કાગળો રજૂ થાય એ તમામ કાગળો લીગલ છે કે કેમ, તેની સંપૂર્ણ ચકાસણીઓ આ અધિકારીએ કરવાની રહેશે.
આ સાથે જ પરિપત્રમાં એમ પણ કહેવાયું છે કે, જ્યારે પણ કોઈ ડીડ(કરાર)ને રદ્દ કરવાનો મામલો અધિકારી સમક્ષ આવે ત્યારે આ રદ્દ પ્રોસેસ માટે જે વ્યક્તિ ડીડ રજૂ કરે તે વ્યક્તિ પાસે, તે મિલકતનું ટાઈટલ રજિસ્ટ્રેશન સમયે હતું કે કેમ, તે બાબત આ અધિકારીએ ચકાસવાની રહેશે.
આ પરિપત્રમાં એક મહત્ત્વપૂર્ણ બાબત એ પણ ઉલ્લેખનિય છે કે, એક વખત દસ્તાવેજની નોંધ પૂર્ણ થઈ જાય પછી આ રજિસ્ટર્ડ દસ્તાવેજ, સંબંધિત અધિકારી પણ કોઈ પણ સંજોગોમાં રદ્દ કરી શકશે નહીં. આ કારણથી રજિસ્ટ્રેશન પ્રોસેસ આપમેળે એકદમ આકરી બની જશે. અને, જે મામલામાં કોઈ પણ પ્રકારના ‘લોચા’ કે ‘ગેરરીતિ’ બહાર આવશે તે મામલામાં સંબંધિત કસૂરવાર વિરુદ્ધ અદાલત રૂ. 1,00,000નો દંડ લાદવા આદેશ આપી શકે છે.

























































