Mysamachar.in-જામનગર:
કરચોરો માટે જામનગરનું ઉદ્યોગજગત સ્વર્ગથી જરાય કમ નથી, આ હકીકત વર્ષોથી જાણકાર વર્તુળો ચર્ચાઓમાં લાવતાં જ રહ્યા છે, હવે સ્થાનિક કચેરીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે બંધબારણે ‘એકરાર’ કરી લીધો કે, (અત્યાર સુધી) કરચોરોને ‘ઉઘાડા’ પાડવા બાબતે અમારી કચેરીએ કશું જ કર્યું નથી !
આ ‘ખાનગી એકરાર’નો એક અર્થ એ પણ થઈ શકે કે, જામનગરના કરચોરો સરકારની એટલે કે પ્રજાની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે, અબજોની હેરાફેરી કરે છે અને આ કરચોરો અત્યાર સુધી જામનગર GST કચેરીના અધિકારીઓને હથેળીમાં રાખતાં રહ્યા ! હવે બાજી પલટી ગઈ છે.
છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન સૌએ જોયું કે, જામનગર કરચોરીનું અને બોગસ બિલિંગનું હબ છે એવી વિગતો, જામનગર બહારની એજન્સીઓએ પાડેલાં દરોડાને કારણે આડકતરી રીતે બહાર આવી ગઈ. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લાને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત GST અને ગુજરાત CGST વચ્ચે કરચોરી પકડી પાડવા કોઈ જ સંકલન નથી. સરકારની તિજોરીમાં ‘આવક’ જમા કરાવવાને બદલે આ એજન્સીઓ પોતપોતાની રમતો રમે અથવા દરોડા પાડે અથવા કરચોરોને દબોચે પરંતુ બંને એજન્સીઓ એકમેકને માહિતીઓ શેયર કરી, અસરકારક કામગીરીઓ કરવાની માનસિકતા ધરાવતાં નથી.
આધિકારિક સૂત્ર ખાનગીમાં સ્વીકાર કરે છે કે, બેફામ કરચોરી અને બોગસ બિલિંગ ધ્યાન પર આવતાં આ એક વર્ષ દરમ્યાન 100 થી વધુ GST નંબરો રદ્દ કરી, સાવ મૂળમાંથી જ અનિષ્ટ હટાવવાની પ્રોસેસ આજેય ongoing છે. થોડાં સમય અગાઉ સી.એ. અલ્કેશ પેઢડીયાને દબોચવાની પ્રોસેસ સ્થાનિક સ્તરેથી જ શરૂ થયેલી, બાદમાં ઉપરથી અધિકારીઓ આવ્યા.
જામનગરના અન્ય એક સી.એ. પર કાર્યવાહી અને હવે ત્રીજા સી.એ.નો વારો ચડી ગયો છે. એમ કહેવાય છે કે, કરચોરો માટે આ સી.એ.હોટ ફેવરિટ છે, તેની પાસે ઘણી બધી બોગસ ફાઈલ છે અને સરકારને કરોડોનો ચૂનો ચોપડે છે, છેક અમદાવાદ દિલ્હી સુધી ‘તોફાની’ની છાપ ધરાવતા બિપીન ભંડેરીની સી.એ.ઓફિસ શહેરના રણજિતસાગર રોડ પર આવેલી છે.






















































