Mysamachar.in-જામનગર:
હાલારના બેટ દ્વારકા તથા દ્વારકામાં રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર સ્થાનિક તંત્રોએ તાજેતરમાં સતત આઠ દિવસ સુધી ઓપરેશન ડિમોલીશન હાથ ધરેલું. ત્યારબાદ જામનગરમાં કાલે મંગળવારે મ્યુ.કમિશનર ડી.એન.મોદી તથા એસપી પ્રેમસુખ ડેલુના કાફલાએ શહેરના નદીકિનારાના કેટલાંક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આજે બુધવારે ઓપરેશન ડિમોલીશન કયાંથી શરૂ કરવું તે અંગે ચર્ચાઓ કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, આજે સવારથી નદીના પટ્ટ વિસ્તારમાં ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું.
આજે મહાનગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નદીના પટ્ટ વિસ્તારમાં, બચુનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરીઓ કરી. આ તકે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર, આજની કામગીરીઓ 98,425 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા માટે હાથ ધરવામાં આવી હતી. આ જમીન પર આશરે 54,045 ચોરસ ફૂટ જમીન પર એક ડઝન ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયા હતાં. આ તમામ જગ્યાની બજારકિંમત આશરે 14.82 કરોડ છે અને બાંધકામની કિંમત આશરે 2.80 કરોડ છે. આ તમામ દબાણો આજે દૂર કરવામાં આવ્યા. આ તકે મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની ટીમ હાજર રહી હતી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાએ હાલમાં કેટલાંક સમયથી શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની ગતિવિધિઓ પણ સરકારી તંત્ર સાથેના સંકલનમાં આદરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નદીના પટ્ટમાં કે આનુસંગિક કોઈ પણ દબાણો હશે તેના પર આગામી દિવસોમાં મનપા તંત્રએ બુલડોઝર ફેરવી દેવા તમામ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે, અધિકારીક સુત્રો વિગતો આપતા કહે છે કે દરેડ ખોડીયાર મંદિરથી માંડીને વ્હોરા હજીરા સુધી અને વ્હોરા હજીરાથી ગાંધીનગર સ્મશાન સુધી નદીના પાણીના પ્રવાહોમાં જે કોઈ નડતરરૂપ દબાણો છે તેને ડીએલઆરની માપણી મુજબ આગામી દિવસોમાં દુર કરી જ્યારે ચોમાસું હોય ત્યારે પાણીના વહેણને અવરોધ ના થાય તે રીતની કામગીરી કરવાનું આયોજન જામનગર મનપાનું છે.