Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના સચાણામાં એક ટોળું કેટલાંક લોકો પર તૂટી પડતાં છરીના ઘા થી એક વ્યક્તિને જિવલેણ ઈજાઓ પહોંચી હતી, આ ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ મામલો હત્યાનો બની ગયો છે, કુલ 14 શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ સહિતની વિવિધ કલમો હેઠળ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
પોલીસમાં દાખલ કરાવવામાં આવેલી ફરિયાદમાં, સચાણાના તળાવ ફળિયામાં રહેતાં ખેડૂત હાજી બચુભાઈ કકકલએ એમ જાહેર કર્યું છે કે, તેમણે એટલે કે આ કેસના ફરિયાદીએ આરોપી અકબર દાઉદ બુચડ પાસેથી માછલી પકડવાની જાળ વેચાણથી લીધી હતી જેના નાણાં બાબતે આ ફરિયાદી અને આ આરોપી વચ્ચે મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખીને આ આરોપી સહિતના કુલ 14 શખ્સોએ ગેરકાયદે મંડળી રચી, તિક્ષ્ણ હથિયારો ધારણ કરી આ ફરિયાદી સહિતના કેટલાંક લોકો પર જિવલેણ હુમલો કરી દીધો.
આ હુમલામાં ફરિયાદીના બનેવી ઈસ્માઈલભાઈને આરોપી અકબર દાઉદ બુચડએ છરી વડે જિવલેણ ઈજાઓ કરતાં ઈસ્માઈલભાઈનું ઈજાઓને કારણે મોત થયું છે તેમ આ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. આ હુમલામાં અન્ય કેટલાંક લોકોને પણ ઈજાઓ પહોંચી છે તથા મૂઢ માર પડ્યો છે. પોલીસે હત્યાની કલમ-(BNS)103(1) સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ બનાવ 31મી ડિસેમ્બરે સાંજે આશરે પાંચેક વાગ્યે બન્યો હતો અને ગત્ રાત્રે અઢી વાગ્યા આસપાસ આ ફરિયાદ દાખલ થઈ છે.

























































