Mysamachar.in-જામનગર:
ખેડૂતોની જમીનમાપણીનો મામલો રાજ્ય સરકારની સૌથી મોટી નિષ્ફળતા તરીકે સરકારના કપાળે ચોંટી ગયો છે. અને, અચરજની વાત એ પણ છે કે આખા રાજ્યમાં આ કામગીરીઓમાં સૌથી ઠોઠ કચેરી જામનગરની DLR કચેરી (જમીન દફતર કચેરી) છે !
સમગ્ર રાજ્યમાં ખેડૂતોની જમીનમાપણીની કામગીરીઓ સોળ-સોળ વર્ષથી ચાલી રહી છે, છતાં આજની તારીખે આ કામગીરીઓ ઠેકાણે પડી નથી, તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, ગાંધીનગરમાં બેઠેલાં ઉચ્ચ સરકારી બાબુઓ માત્ર ફાંકા ફોજદારી જ કરી રહ્યા છે. અને, એક અર્થ એવો પણ થઈ શકે કે, DLRની સ્થાનિક કચેરીઓના અધિકારીઓ કોઈને પણ ગણકારતા નથી- સરકારને પણ નહીં. અથવા, ત્રીજો એક અર્થ એવો પણ તારવી શકાય કે, આ કામગીરીઓ સંબંધે ખુદ સરકારના પેટમાં કંઈક મેલું છે !
રાજ્યમાં જમીનમાપણી કામગીરીઓ વર્ષ 2009થી છેક ચાલી રહી છે. આજે 2026માં પણ સરકાર આ કામગીરીઓ મામલે ખોંખારો ખાઈ શકવાની સ્થિતિમાં નથી. અને, અત્યાર સુધીમાં સરકાર આ કામગીરીઓ પાછળ કરદાતાઓની તિજોરીમાંથી રૂ. 400 ફૂંકી ચૂકી છે. છતાંયે પરિણામ શૂન્ય. અને આ કામગીરીઓ જે ખાનગી કંપની સંભાળી રહી છે, એ કંપની આટલાં વર્ષોથી ‘મોજ’માં છે, કોઈ તેનો વાળ વાંકો કરી શકતું નથી.
આજની તારીખે પણ જામનગર સહિતના કેટલાંક જિલ્લાઓમાં ખેડૂતોની હજારો અરજીઓ પેન્ડિંગ છે. જેમાં સૌથી મોટો આંકડો જામનગરનો છે. અને ખેડૂતોએ સૌથી વધુ વાંધા અરજીઓ પણ જામનગરમાં જ કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારે આ કામગીરીઓનો પાયલોટ પ્રોજેક્ટ જામનગરથી શરૂ કર્યો હતો. જે પણ એક મોટું રહસ્ય છે.
હાલની સ્થિતિઓ જોવામાં આવે તો, રાજ્યમાં કુલ 2.5 લાખ જેટલી જે વાંધા અરજીઓ થઈ છે તે પૈકી સૌથી વધુ 83,200 અરજીઓ એકલા જામનગરમાંથી થઈ. અને, આજની તારીખે રાજ્યમાં કુલ 1.6 લાખ જેટલી અરજીઓ પેન્ડિંગ છે, તેમાં પણ સૌથી વધુ પેન્ડિંગ અરજીઓ 70,000 જામનગર જિલ્લાની છે.
2009માં રાજ્યમાં આ કામગીરીઓ શરૂ થઈ ત્યારે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, લગભગ દોઢેક કરોડ જેટલાં સર્વે નંબર તપાસવાના થશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પ્રમોલગેશન કામગીરીઓ સંબંધે વાંધા અરજીઓ કરવા ખેડૂતોને 31-12-2026 સુધીની મુદ્દત લંબાવી આપવામાં આવી છે. રાજ્યમાં 18,509 ગામો પૈકી 10,759 ગામોમાં જ, આજે સોળ વર્ષ દરમ્યાન પ્રમોલગેશન કામગીરીઓ પૂર્ણ થઈ છે.
-જમીનમાપણી અંગે તમે આ જાણો છો ?…
2016-17માં જ્યારે પ્રમોલગેશન બાદ જેટલાં ગામોના નવા રેકર્ડ પ્રસિદ્ધ થયા ત્યારે, આખા રાજ્યમાં ગંભીર ભૂલોની ફરિયાદો ઉઠી હતી. ખેડૂતોમાં વ્યાપક વિરોધ ઉઠતાં સરકારે કામગીરીઓ અટકાવી, વર્ષ 2018ના ઓગસ્ટમાં સુધારાઓ કર્યા. વર્ષ 2023-24 દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ફરીથી પાયલોટ પ્રોજેકટ શરૂ થયો. ગાંધીનગર વર્તુળ જણાવે છે કે, ખાનગી જમીન માપણી દરમ્યાન જેટલો વધારે ‘પ્રસાદ’ ધરવામાં આવે તેટલું વહેલું કામ થાય. DLR કચેરીઓ ‘સરકારી’ જમીનોની માપણી સરકારી તંત્રોને સમયસર કરી આપતી ન હતી, આથી રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશ પણ કરવો પડ્યો ! અધિકારીઓ સરકાર કરતાં પણ મોટાં.
-જમીનમાપણી સંબંધે જામનગરને આ રીતે પણ યાદ રાખવું જોઈએ
જામનગરના શાસકપક્ષના પૂર્વ સાંસદ જમીનમાપણી કામગીરીઓમાં ‘ભ્રષ્ટાચાર’નો લેખિત આક્ષેપ કરી ચૂક્યા છે. આ ઉપરાંત જામનગર DLR કચેરીમાં અગાઉ નોકરી કરી ગયેલાં મુખ્ય અધિકારી, જામનગરથી બદલી પામી અન્ય જિલ્લામાં ગયા ત્યાં લાંચમાં ACBના હાથમાં ઝલાઈ ગયા. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય (પૂર્વ કેબિનેટ મંત્રી) એક કરતાં વધુ વખત જામનગર DLR કચેરીને ઝડપથી અને વ્યવસ્થિત કામગીરીઓ કરવા સંબંધે ટકોર કરી ચૂક્યા હતાં, ત્યારે પણ આ કચેરીએ એમને ગણકાર્યા ન હતાં !! અને, એ પણ જાણી રાખો કે ભૂતકાળમાં જામનગરના કલેક્ટર રહી ચૂકેલાં અધિકારી હાલ આખા રાજ્યમાં આ (કલંકિત) DLR વિભાગના વડા તરીકે ‘ફરજો’ બજાવી રહ્યા છે.

























































