Mysamachar.in-ગાંધીનગર:
ખેડૂતોની જમીન માપણીનો વિષય જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં નવ-નવ વર્ષથી ‘અધિકારીરાજ’ માં અટવાઈ-અથડાઈ રહ્યો છે, જેનો આજની તારીખે નિવેડો આવ્યો નથી ! સરકારે વધુ એક વખત આ કામગીરીઓ માટે એક વર્ષનો મુદ્દત વધારો જાહેર કરવો પડ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જમીન માપણીનો પાયલોટ પ્રોજેકટ રહસ્યમય કારણોસર જામનગરથી શરૂ કરીને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો. આ નવ વર્ષ દરમ્યાન કયારેય એ વિગત બહાર આવી નથી કે, આ પાયલોટ પ્રોજેકટ જામનગરથી જ શા માટે શરૂ કરવામાં આવ્યો ? જામનગર જિલ્લાની આ માટે પસંદગી કરવાના કારણો શું ? તેની સત્તાવાર માહિતીઓ ન કયારેય સરકારે જાહેર કરી છે, ન કયારેય કોઈ જવાબદાર વ્યક્તિએ આ અંગે સરકારને પૂછયું છે.
આ કામગીરીઓમાં આજે 9 વર્ષ પછી પણ ઠેકાણાં નથી. અધિકારીઓ અસરકારક કામગીરીઓ કરતાં નથી. અધિકારીઓને કોઈ પૂછવાવાળું નથી. ખેડૂતો વર્ષોથી પરેશાન છે. કહેવાતા ખેડૂત આગેવાનો આ મુદ્દે ધોકો પછાડી શક્યા નથી. શાસકપક્ષ ખેડૂતોના હિતોની ઘણી વાતોનો પ્રચાર કરે છે, નવ-નવ વર્ષથી આ મડાગાંઠ ઉકેલી શક્યા નથી. સૌ ખેડૂત આગેવાનો ચૂપ, રાજ્યભરમાં જમીન માપણી કચેરીઓમાં લાખો અરજીઓના ઢગલા અને અધિકારીઓ મનમાની કરે.
ખુદ શાસકપક્ષના આગેવાન કહી ચૂક્યા છે કે, આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર મોજૂદ છે. આમ છતાં રાજ્યના આ નવ વર્ષ દરમ્યાનના એક પણ મહેસૂલ મંત્રી આ આખા વિષયને સરળ, સંતોષકારક કે અસરકારક બનાવી શક્યા નથી. આથી સરકારે આજે નવા વર્ષના પ્રથમ દિવસે બોલવું પડ્યું છે કે, આ કામગીરીઓ માટેની જે અંતિમ તારીખ 31-12-2025 હતી તેમાં મુદ્દત વધારો કરીને અરજીઓ કરવાની અંતિમ તારીખ હવે 31-12-2026 કરવામાં આવી છે. એનો અર્થ એ થઈ શકે કે, હજુ એક વર્ષ આ કામગીરીઓમાં તાતાથૈયા ચાલતું રહેશે !

























































