Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે આવેલી પંચાયત ઓફિસ સામે રહેતા દેવશી રણમલ મકવાણા નામના શખ્સ દ્વારા પીપળીયા ગામની સરકારી ખરાબાની ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની 3-30-69 (હે.આરે.ચો.મી.) વારી જમીન ઉપર આશરે ચાર વીઘા જગ્યામાં ઈંટોના ભઠ્ઠા બનાવવાનો સાર-સામાન, માટી, કોલસી વિગેરે રાખીને ઈંટો બનાવવામાં આવતી હતી. આ ઈંટોના ભઠ્ઠા પકાવવાની સાથે અહીં રહેવા માટે કાચી ઓરડી પણ બનાવી હતી. આટલું જ નહીં, અહીં રામદેવપીરના મીર માટે પાકો ઓરડો બનાવી અને અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું.
જે સંદર્ભે પીપળીયા ગામના એક આસામીએ અહીંના જિલ્લા કલેકટર સમક્ષ ઉપરોક્ત મુદ્દે લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી આપી હતી. જેને અનુલક્ષીને ખંભાળિયાના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ અહેવાલ સંદર્ભે અહીંના મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા તપાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આરોપી દેવશી રણમલ મકવાણાનું નિવેદન લઇ અને સવિસ્તૃત અહેવાલ બાદ જિલ્લાની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા કરવામાં આવેલા આદેશ અન્વયે ખંભાળિયાના તત્કાલીન મામલતદાર વિક્રમભાઈ વરુએ ઉપરોક્ત શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 અંતર્ગત લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેના પુરાવાઓ સાથે અહીંની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી, સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, તપાસનીસ અધિકારી તેમજ અન્ય મહત્વના સાહેદોની જુબાની વિગેરે સાથે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી સવિસ્તૃત દલીલોને ધ્યાનમાં લઈને સ્પેશિયલ એડિશનલ સેશન કોર્ટના જજ એસ.જી. મનસુરીએ આરોપી દેવશી રણમલ મકવાણાને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે આ ગુનામાં સંભવતઃ પ્રથમ વખત આ પ્રકારની કડક સજાથી દબાણકર્તા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

























































