Mysamachar.in-જામનગર:
સરકારનો કોઈ પણ વિભાગ હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, ત્યાં પોતાના કામ માટે કોઈ વગદાર અથવા શ્રીમંત પહોંચે ત્યારે તેને અલગ રીતે ‘આવકાર’ આપવામાં આવતો હોય છે અને આ જ કચેરીઓમાં, આ જ પ્રકારના કામો માટે જ્યારે કોઈ સામાન્ય અરજદાર જતો હોય છે તેને જુદાજુદા કારણોસર ધક્કા ખવડાવવામાં આવતાં હોય છે અથવા વિવિધ કાગળો માંગવામાં આવતાં હોય છે- આ પ્રકારની નીતિરીતિ દાયકાઓ પુરાણી છે, એટલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની પ્રતિષ્ઠા સારી નથી અને એથી સરકારની ઓલઓવર છબિ ચકચકિત થઈ શકતી નથી. ખુદ સરકારને આ બાબતે રંજ અફસોસ છે.
જામનગરમાંથી આવી એક રજૂઆત છેક ગાંધીનગર પહોંચી છે. જેનો ટૂંકસાર એવો છે કે, વીજતંત્ર બિલ્ડર લોબીની સેવામાં ખડેપગે રહે છે. જો કે લોકોનો આ અસંતોષ બધાં જ સરકારી વિભાગો સામે હોય છે, વીજતંત્ર એમાં અપવાદ નથી. જામનગરની સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ ગાંધીનગર રજૂઆત કરી છે કે, લાલવાડી વિસ્તારની વાત હોય કે સત્ય સાંઈ વિદ્યાલય આસપાસના વિસ્તારની વાત હોય કે પછી શહેરના કોઈ પણ વિસ્તારની વાત હોય, કોઈ પણ બિલ્ડરને પોતાના નવા પ્રોજેક્ટ માટે વીજજોડાણ જોઈતું હોય ત્યારે ફટાફટ નવા વીજકેબલ પથરાઈ જાય, રેકર્ડ પર મંજૂરી મળી હોય કે ન મળી હોય, તાત્કાલિક ટી.સી. લાગી જાય, કનેક્શન આપી દેવામાં આવે- ટૂંકમાં બધાં જ કામો ઝડપથી થઈ જતાં હોવાનું લોકો જોઈ જ રહ્યા છે. સામાન્ય માણસને નવું વીજજોડાણ જોઈતું હોય તો તકલીફોનો સામનો કરવો પડે.
વધુમાં આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ આખો વિષય તપાસનો વિષય છે. આ વિષયમાં તંત્ર અને બિલ્ડર જુથોની આંતરિક સાંઠગાંઠને કારણે સરકારી તિજોરીને આર્થિક નુકસાન પણ થતું હોય. આ રજૂઆતમાં એવો ચોંકાવનારો આક્ષેપ પણ થયો છે કે, ભૂતકાળમાં શહેરમાં જૂની ગેલેક્સી ટોકીઝવાળા વિસ્તારમાં વીજતંત્રના ‘લોચા’ સંબંધે ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. બહુમાળી ઈમારતોને વીજજોડાણ આપતી વખતે સરકારની ગાઈડલાઈનનો ઉલાળિયો પણ થતો હોય છે.
વીજતંત્રના અધિક્ષક ઈજનેર આ બાબતે Mysamachar.in ને જણાવી રહ્યા છે કે…
આજે સવારે આ વિષય બાબતે અધિક્ષક ઈજનેર એચ.ડી.વ્યાસ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. એમના જણાવ્યા અનુસાર, આ પ્રકારના વીજજોડાણ માટે બિલ્ડરે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તમામ કાગળો જે રજૂ થયા હોય તેની તપાસ થાય. બિલ્ડરની ઓળખ માટેના તમામ આધારપુરાવાની ખરાઈ થાય. બાદમાં તંત્ર ખર્ચ કવોટેશન આપે. બિલ્ડર નાણાં જમા કરાવે. પછી વીજતંત્રનું CPC એટલે કે કોમન પ્રોફેસિંગ સેન્ટર જરૂરી માહિતીઓના આધારે નિર્ણય લ્યે, બાદમાં તંત્ર દ્વારા કાર્યવાહીઓ અને સ્થળ પર કામગીરીઓ થાય. બધી જ કાર્યવાહીઓ આ રીતે CPC કરી રહ્યું છે. સામાન્ય નાગરિક માટેના વીજજોડાણની કામગીરીઓ પણ તંત્ર નિયમ અનુસાર કરી રહ્યું છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ નિયમ અનુસાર કામગીરીઓ થઈ રહી છે. આ માટે લાલબંગલા વીજકચેરી ખાતે સેવા કેન્દ્ર પણ કાર્યરત છે.આક્ષેપોમાં તથ્ય નથી.

























































