Mysamachar.in-જામનગર:
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા જનરલ સર્જરી રેસિડન્ટ ડોક્ટરો તથા તબીબો માટે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ (CME) નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.ધીરેન બુચ તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ.કુશલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત મેડિકલ એજ્યુકેશનના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરો, વરિષ્ઠ તબીબો તેમજ જામનગર સર્જન્સ એસોસિએશનના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ CME દરમિયાન તબીબી ક્ષેત્રના મહત્વના વિષયો જેવા કે ‘UROLITHIASIS’ અને ‘OBSTRUCTIVE ANURIA’ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ વિષયો પર ડૉ. મીત બાબરિયા, ડૉ. સતીશ તથા ડૉ. પ્રિયા સિંહ દ્વારા ઉપસ્થિત તબીબોને વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સર્જરી વિભાગના વડા તેમજ અન્ય તજજ્ઞોએ ઉપસ્થિત રહીને યુવા તબીબોના જ્ઞાનવર્ધન માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રકારના આયોજનથી રેસિડન્ટ ડોક્ટરોને આધુનિક સારવાર પદ્ધતિઓ સમજવામાં અને દર્દીઓની વધુ સારી સેવા કરવામાં મદદ મળશે તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

























































