Mysamachar.in-જામનગર;
સમગ્ર જામનગરની મહાનગરપાલિકા સંબંધિત સેવાઓ અને સુવિધાઓની જવાબદારીઓ સંભાળી રહેલાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત્ એક વર્ષ દરમ્યાન વિવિધ વિભાગોની કુલ 1,05,650 ફરિયાદ મળી, આ બધી જ ફરિયાદ તંત્રએ ઉકેલી નાંખી અને આગલા વર્ષની પણ કેટલીક ફરિયાદોનો ઉકેલ કરી નાંખ્યો.
જામનગર મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે, 1 જાન્યુઆરી-2025ની સ્થિતિએ તંત્ર પાસે બધી શાખાની મળી કુલ 1,111 ફરિયાદ પેન્ડિંગ રહી હતી. અને તે પછી વર્ષ દરમ્યાન તંત્રને કુલ 1,05,650 ફરિયાદ મળી. જૂની તથા નવી ફરિયાદ પૈકી મહાનગરપાલિકાએ વર્ષ દરમ્યાન કુલ 1,05,912 ફરિયાદ ઉકેલી લીધી અને આ કુલ ફરિયાદ પૈકી 849 ફરિયાદ 31-12-2025ની સ્થિતિએ પડતર રહી.
આંકડાઓ મુજબ: 2025ના વર્ષ દરમ્યાન લોકોએ સૌથી વધુ 29,639 ફરિયાદ લાઈટ સંબંધે કરી. આ વિભાગમાં જે યોજના કાર્યરત છે તેનું નામ eSMART CITY AREA છે. આ વિભાગને રોજ 81 ફરિયાદ મળી. સરેરાશ વોર્ડ દીઠ 5 ફરિયાદ થઈ.
નગરજનોએ ભૂગર્ભ ગટર શાખાને 26,801 ફરિયાદ મોકલી. એટલે કે, રોજ 73 જેટલાં નગરજનો આ શાખાને ફરિયાદ કરતાં રહ્યા. આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગને પશુઓ બાબતે રોજ 45/46 અને કચરા બાબતે રોજ 25/26 ફરિયાદ મળી.
આ ઉપરાંત નગરસીમ વિસ્તારમાં લાઈટ સંબંધે વિભાગને વર્ષ દરમ્યાન 10,725 ફરિયાદ મળી. પાણી બાબતે વર્ષ દરમ્યાન 4,823 ફરિયાદ થઈ. સિવિલ કામો બાબતે વિભાગને વર્ષ દરમ્યાન 2,638 અને બગીચા બાબતે આ શાખાને વર્ષ દરમ્યાન 2,338 ફરિયાદ મળી. એસ્ટેટ વિભાગને 773 અને હાઉસ ટેક્સ બાબતે તંત્રને 723 ફરિયાદ મળી.
આરોગ્ય બાબતે નગરજનોએ વર્ષ દરમ્યાન 508 ફરિયાદ નોંધાવી. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગમાં નગરજનોએ 438 ફરિયાદ નોંધાવી. ટાઉન પ્લાનિંગ શાખામાં 163 ફરિયાદ દાખલ થઈ. સિક્યોરિટી બાબતે વર્ષ દરમ્યાન 31 અને સ્લમ વિભાગમાં 29 ફરિયાદ થઈ. ICDSમાં 19 ફરિયાદ થઈ અને 6 ફરિયાદ UCD શાખામાં થઈ. આંકડાઓ કહે છે: એસ્ટાબ્લિશમેન્ટ અને ફાયરશાખામાં શૂન્ય ફરિયાદ કરવામાં આવી.
શહેરની 7 લાખની વસતિ અંદાજો તો તેની સામે પંદરેક ટકા એટલે કે, 1,05,650 ફરિયાદ થઈ, મતલબ સરેરાશ 85 ટકા નગરજનો ‘સુખી’ છે અથવા તેઓ ફરિયાદ નોંધાવતા નથી અથવા વિસ્તારની કોમન ફરિયાદ હોય તો કોઈ એકાદ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી દીધી હોય. દાખલા તરીકે લાઈટ અથવા ભૂગર્ભ ગટર કે સ્વચ્છતા સંબંધિત પ્રશ્ન હોય તો એ અનેક લોકોને લાગુ પડતો હોય પણ ફરિયાદ એકાદ-બે લોકો જ નોંધાવતા હોય, ટૂંકમાં અડધાં જેટલાં શહેરને સુખ-શાંતિ છે એવો કાચોપાકો અંદાજ લગાવી શકાય. ટૂંકમાં, બાકીના લાખો લોકો અલગઅલગ કારણોસર પરેશાન છે, એમ પણ લેખી શકાય.

























































