Mysamachar.in-જામનગર:
આજનો મંગળવાર જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર પંથકના કેટલાંક આહિર પરિવારો માટે અમંગળ સાબિત થતાં આ પંથકમાં ઘેરી ગમગીની વ્યાપી ગઈ છે. 2 બોલેરો વચ્ચેના આ અતિ ઘાતક અકસ્માતમાં 3 લોકોની જિંદગીઓ ઝૂંટવાઈ ગઈ છે. લાલપુર પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે આ જિવલેણ અકસ્માત સર્જાયો છે.
સણોસરી પાટીયા નજીકથી પસાર થઈ રહેલી બોલેરો પિક અપ વાન GJ-25-U-5803 માં પંકચર પડી જતાં, આ વાહનમાં મુસાફરી કરી રહેલાં 4 લોકો વાહનમાં પંકચર સંબંધિત કામગીરીઓમાં વ્યસ્ત હતાં ત્યારે, અન્ય એક બોલેરોના રૂપમાં કાળ ત્રાટક્યો. આ કાળમુખી બોલેરો મુસાફર જિપ છે. અકસ્માત સર્જનાર બોલેરો નંબર GJ-10-DA-2287 અચાનક ધસમસતી આવી અને પંકચર રીપેર થઈ રહેલી ઉભી બોલેરો પર ત્રાટકી. રાત્રિના ઠંડા અંધકારમાં ત્રાટકેલી આ બોલેરો 3 લોકોના જિવ લઈ ગઈ.
લાલપુર પોલીસે જણાવ્યું છે કે, આ પ્રાણઘાતક અને અતિ વિકરાળ અકસ્માતમાં લાલપુર તાલુકાના ખાયડી ગામના કમલેશ નારણભાઈ ગાગીયા(36), શ્રુદીપ દિનેશભાઈ ગોજિયા(16) અને જામજોધપુર તાલુકાના કરશનપર ગામના ભરત લખમણભાઈ ડાંગર(21)નો આ અકસ્માતમાં ભોગ લેવાઈ ગયો છે. આ ઉપરાંત ખાયડી ગામના 16 વર્ષના શ્યામ અશોકભાઈ ગાગીયાને ઈજાઓ થઈ છે. આ અતિ ગંભીર અકસ્માતમાં 3 લોકોનો ભોગ લેવાઈ જતાં લાલપુર તાલુકાના ખાયડી અને જામજોધપુર તાલુકાના કરશનપરમાં ઘેરી ગમગીની અને શોક છવાઈ ગયો છે. આ બનાવની વધુ તપાસ લાલપુર પોલીસ ચલાવી રહી છે.

























































