Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પાણી, એમાંયે ખાસ કરીને પિવાનું પાણી માનવજિવનમાં શું અગત્યતા ધરાવે છે- એ કહેવાની જરૂર નથી. દરમ્યાન, કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ બહાર આવ્યો, જેના આંકડા દર્શાવે છે કે, દ્વારકા ‘પાણીદાર’ જિલ્લો નથી. કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય (કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ) દ્વારા એક રિપોર્ટ પ્રગટ થયો. આ રિપોર્ટનું નામ ‘ફંકશનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ(પિવાના પાણીનું નળજોડાણ) કનેક્શન્સ’ છે.
આ રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આખા જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત એક પણ ઘરને પિવાના પાણી માટેનું નળજોડાણ આપવામાં આવ્યું નથી. દાહોદ જિલ્લામાં પણ આ નળજોડાણની સંખ્યા ‘શૂન્ય’ !
આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 4.7 ટકા ઘરોને નળજોડાણ આપવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં 6.9 ટકા ઘરોને આ યોજનામાં નળજોડાણ આપવામાં આવ્યા છે. આ આંકડાઓની સરખામણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આંકડો 17.2 ટકા સારો કહેવાય. પરંતુ તેનો એક અર્થ એ થઈ શકે કે, જિલ્લાના 82.8 ટકા ઘરોમાં નળજોડાણ નથી. મતલબ, દેવભૂમિ દ્વારકા જિલ્લો આ રિપોર્ટના આંકડાઓ અનુસાર હજુ ‘પાણીદાર’ બની શક્યો નથી. આ ઉપરાંત સરકારનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે: વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેક 30મા ક્રમે છે ! મતલબ, પાણી મુદ્દે ગુજરાત સરકારે ‘પાણી’ દેખાડવાનું હજુ બાકી છે. આ રિપોર્ટ બહાર આવતાં ગુજરાત સરકારની પાણી અંગેની બધી જ વાતો ‘પાણીમાં વહી ગઈ’ !!

























































