Mysamachar.in-મોરબીઃ
એક તરફ મહિલાઓની સુરક્ષાની મસમોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ દુષ્કર્મ અને છેડતીની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, એવામાં કાયદાવ્યવસ્થા પર ફરી સવાલો ઉઠી રહ્યાં છે. મોરબીમાં કારખાનામાં કામ આપવાની લાલચ આપી એક પરિણીતા પર ગેંગરેપની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી છે. સમગ્ર બાબતે પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં રહેતી પરિણીતાએ મુકેશ પટેલ, રમેશ અને જયદીપ વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી મુકેશ પટેલ પરિણીતાને મોરબીમાં એક કારખાનામાં કામ આપવાની લાલચ આપી હતી. બાદમાં વિશ્વાસમાં આવી મહિલા મોરબી આવી હતી. મોરબી આવી પહોંચેલી મહિલાને નરાધમો કારમાં બેસાડી કારખાનામાં લઇ ગયા જ્યાં સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે બનેલી ઘટનાથી હતપ્રત બનેલી મહિલા ફરી અમદાવાદ આવી પહોંચી અને અહીં તેણે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી કેસ મોરબી ટ્રાન્સફર કર્યો છે. તો તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી છે.