Mysamachar.in-ગાંધીનગર:
સરકારી વિભાગો અને મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના અધિકારીઓ વર્ષના 365 દિવસ ખુદની ‘ગજચાલ’માં વ્યસ્ત રહેતાં હોય છે, એવો જન સામાન્યનો અનુભવ છે અને ગાંધીનગરમાં બેઠેલાં ગુજરાતના ‘નાથ’ પણ આ હકીકત જાણતાં જ હોય છે, તેથી હવે જ્યારે પણ કોઈ પણ તંત્ર ટેમ્પરરી સક્રિય થાય ત્યારે, લોકો કોઈ પણ તંત્રની કહેવાતી કામગીરીઓને અહોભાવની દ્રષ્ટિએ જોતાં નથી. પબ્લિક હૈ યે, સબ જાનતી હૈ.
રાજ્યમાં હજારો પૈકી એકાદ ગેમઝોનમાં આગ ફાટી નીકળે અને પાંચ પચ્ચીસેક જિંદગીઓ ભડથું થઈ જાય અથવા કોઈ સરકારી હોસ્પિટલ કે ખાનગી કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળે અને બેચાર ભૂલકાંઓ અથવા આઠદસ વિદ્યાર્થીઓનો કાળ ભોગ લઈ લ્યે ત્યારે…તંત્રો અમે દોડી રહ્યા છીએ એવા નાટકો કરે અને નેતાઓ ગંભીર મુખમુદ્રા ધારણ કરી, કેમેરા સમક્ષ આવે અને સંવેદનાથી લથબથ નિવેદન ઠપકારે અને એક પણ કસૂરવારને કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવી સિંહ ગર્જનાનો અભિનય કરે- ત્યારે નાગરિકોની પ્રતિક્રિયાઓ જોવા-જાણવા-સાંભળવા જેવી હોય છે.
ક્યાંક ડ્રગ્સ પકડાયાનું જાહેર થાય ત્યારે સાગર સુરક્ષાના વીડિયોઝ કે બનાવટી ઘી-પનીર ઝડપાઈ જાય પછી શહેરોમાં થતી ચેકિંગની દોડાદોડી કે બે પાંચ અકસ્માતમાં આઠદસનો ભોગ લેવાયા બાદ વાહનચાલકોના ડાચાં સૂંઘવાની કસરતો કે અમે આટલાં લાયસન્સ સસ્પેન્ડ કર્યાં એવી જાહેરાતો- આ બધું જ જન સામાન્યની નજરે ચીલાચાલુ અને સસ્તી પ્રસિદ્ધીના હવાતિયા છે.
પાટનગર ગાંધીનગરમાં પિવાના દૂષિત પાણીને કારણે સેંકડો લોકોને તાકીદે હોસ્પિટલમાં દાખલ થવું પડયું..એક બાળક મરી ગયું…અન્ય કેટલાંક બાળકો હોસ્પિટલના બિછાને તરફડીયા લગાવી રહ્યા છે એટલે હવે ગાંધીનગરમાં સિંહનાદ સંભળાયો ‘જાવ..તૂટી પડો..’ અને તંત્રો પહોંચી ગયા પાણીપુરીવાળા ગરીબ ભૈયાને દબડાવવા અને ફોટોસેશન અને વીડિયોઝ અને કોફી બિસ્કિટની મિટીંગોનો દૌર ! લોકો મોં પર હાથ રાખી, હસવું રોકી રહ્યા છે. પિવાના પાણીમાં ગટરનું પાણી- ગુજરાતના એક પણ મહાનગરમાં ‘સમાચાર’ કે અચરજ નથી, જામનગરમાં પણ નહીં ! (ફાઈલ તસ્વીર)

























































