Mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાતમાં ‘નકલી’ રોફ જમાવવાનું ચીટરો શીખે છે કોની પાસેથી ? અથવા, ચીટરો આટલી હિંમત કોના પીઠબળથી કરી રહ્યા છે ? અથવા, આવા ચીટરોને લોકો લાખો રૂપિયા આપી શા માટે દે છે ? અથવા, આવા ચીટરો ‘અસલી’થી ડરતા શા માટે નથી ?- આ પ્રકારના સંખ્યાબંધ પ્રશ્નો ગુજરાતમાં વધુ એક વખત સપાટી પર આવી ગયા. કારણ કે, એક ‘નકલી’ DySP ઝડપાઈ ગયો. આ શખ્સ આજે રિમાન્ડ પર છે.
આ મામલાની વિગતો એવી છે કે, મોડાસાના સરડોઈ ગામનો જીતેન્દ્રસિંહ ઉદેસિંહ રાઠોડ નામનો ચીટર પોતાને DySP લેખાવતો હતો. અને, એવી ડીંગ ચલાવતો હતો કે, પોતે મુખ્યમંત્રી સુરક્ષાચક્રમાં ફરજો બજાવે છે. આ પ્રકારના પ્રચાર સાથે, આ ચીટર એક બિલ્ડરની ઓફિસમાં પહોંચી ગયો. ત્યાં જઈ વિજયભાઈ અને ધનરાજભાઈ ચૌધરી સાથે મુલાકાત કરી. અને મુલાકાતમાં કહ્યું કે, પોતે કુંડાસણ ગામમાં રૂ. 70 લાખની જમીન ખરીદી છે. પંદર દિવસ માટે નાણાં જોઈએ છે. બિલ્ડરએ આ ચીટરને રૂ. 38 લાખ રોકડા ઉછીના તરીકે આપી દીધાં !
બાદમાં બિલ્ડરએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતી વખતે ઉપરોકત વિગતો ફરિયાદમાં લખાવી. ફરિયાદ કહે છે: વાયદા મુજબ આ શખ્સે, આ રકમ પરત આપી નથી. આ શખ્સ ફરાર છે. બિલ્ડરએ આ તપાસ કરાવી હતી. આ ઉપરાંત અન્ય એક મામલામાં પણ આ ‘નકલી’, ચીટર છે તેમ કહેવાયું છે. એક ફરિયાદી કહે છે: એક કર્મચારીની બદલી કરાવવાની ખાતરી આપી આ ચીટરે અન્ય એક વ્યક્તિ પાસેથી રૂ. 7 લાખનો ધનલાભ કરી લીધો છે.
આ બંને પોલીસ ફરિયાદના આધાર પર ‘અસલી’ પોલીસે આ ચીટરને શોધી કાઢ્યો. અદાલતમાં રજૂ કર્યો. પોલીસની માંગણી ધ્યાન પર લઈ અદાલતે આ શખ્સને એક દિવસના રિમાન્ડ માટે પોલીસને સોંપી દીધો. બનાસકાંઠા જિલ્લાની છાપી પોલીસે આ ચીટરને શોધી કાઢ્યો હતો. ફરિયાદી બિલ્ડર છાપીના રહેવાસી છે. આ આખો મામલો બહાર આવતાં, બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ખાસ કરીને પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. લોકો પ્રશ્ન એ કરી રહ્યા છે કે, આવા ચીટરોને લોકો ક્યા આધારે લાખો રૂપિયા આપી દેતા હશે ? આ ‘નકલી’ મામલો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાઓમાં છે.