Mysamachar.in-જામનગર:
જામનગર શહેરને ક્રિકેટનું કાશી પણ કહેવામાં આવે છે. અચરજની વાત એ પણ છે કે, આ જ શહેરમાં ક્રિકેટશોખીનો ક્રિકેટ રમી શકે તેવા મેદાનોનો મામલો હંમેશા ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યો છે. આ પ્રકારના એક વિવાદી મેદાન અંગે કોર્પોરેશનના વિપક્ષના એક પૂર્વ નેતાએ મેયરને પત્ર લખ્યો છે. આ પત્ર સાથેની વિગતોને કારણે જામનગર મહાનગરપાલિકાની મોડસ ઓપરેન્ડી એટલે કે કામ કરવાની પદ્ધતિ ઉઘાડી પડી ગઈ છે.
વિપક્ષના પૂર્વ નેતા- કોર્પોરેટર અસલમ ખિલજીએ મેયરને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક જુગનુ નામથી જાણીતું મેદાન છે. અહીં આસપાસના વિસ્તારોની અંદાજે 70,000ની વસતિ પૈકીના સંખ્યાબંધ યુવાનો આ મેદાન પર ક્રિકેટ અને અન્ય રમતો રમે છે. આ તમામ ખેલાડીઓ મેદાનની જાળવણી પણ કરે છે. આ મેદાન અંગે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકોમાં પણ ઘણી વખત રજૂઆતો થઈ છે.

આ પત્રમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાએ વર્ષ 2019માં બજેટ સ્પીચમાં આ મેદાનનો ઉલ્લેખ કરી કહેલું કે, આ મેદાન તથા સરૂ સેક્શન રોડ પરના એક મેદાનને રમતગમતના મેદાન તરીકે વિકસાવવા રૂ. 50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. અને, આ કામો ટેન્ડર પ્રક્રિયા સ્ટેજે છે. આ જ પત્રમાં અસલમ ખિલજીએ આગળ જણાવ્યું છે કે, 2019 બાદ 2024માં પણ, બજેટ સ્પીચમાં મહાનગરપાલિકાએ કહ્યું: જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે તથા સરૂ સેક્શન રોડ પર આવેલાં મેદાનને રમતગમતના મેદાન તરીકે વિકસાવવા રૂ. 50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. જે કામો ટેન્ડર પ્રક્રિયા સ્ટેજે છે. (બજેટમાં પાંચ વર્ષે પણ એ જ વાત, એ જ શબ્દો).
આ પત્રમાં જણાવાયું છે કે, જે મેદાનને સ્પોર્ટ મેદાન તરીકે વિકસાવવા ખુદ મહાનગરપાલિકાએ પસંદગી કરી હોય, મહાનગરપાલિકાએ એ માટે નાણાંની ફાળવણી પણ કરી હોય, એ મેદાનમાંથી અચાનક રોડ કાઢવાનું કોર્પોરેશનને કેમ સૂઝયું ?! જામનગર મહાનગરપાલિકાએ વર્ષોથી નગરજનોને રમતગમત માટે એક પણ સાર્વજનિક મેદાન આપ્યું નથી. જે છે તેને પણ નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે ક્રિકેટપ્રેમીઓ અને રમતવીરોમાં ઉગ્ર રોષ અને અસંતોષ છે. જામનગર શહેરે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત હોય એવા ઘણાં ક્રિકેટરો આપ્યા છે. ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટ ટીમને જામનગરમાંથી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ મળે તે માટે મહાનગરપાલિકાએ અહીં આ મેદાન પરથી પસાર થનાર TP રોડ રદ્દ કરી, આ મેદાન પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ તાકીદે શરૂ કરવું જોઈએ. આ પત્રના અંતે ચિમકી આપવામાં આવી છે કે, જો આ કામ શરૂ કરવામાં નહીં આવે તો નાછૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાપા માર્કેટ યાર્ડ નજીક જમીનોનો મોટો કારોબાર અગાઉ થઈ ચૂક્યો છે, આ વિસ્તારોને રાજકોટ રોડ સાથે જોડતાં બબ્બે રસ્તાઓ પણ ઉપલબ્ધ છે, આમ છતાં અહીં મેદાન પરથી ખાસ TP રોડ કાઢી લાગતાંવળગતાંઓને વધારાનો લાભ અપાવી દેવાની ચાલી રહેલી ગોઠવણો વિરુદ્ધ શહેરમાં ઘણાં સમયથી ચર્ચાઓ અને ધૂંધવાટ ચાલી રહ્યા હોવા છતાં સંબંધિતો પોતાનો ‘રસ્તો’ કાઢવા ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. શહેરમાં ચર્ચાઓ તો એ પણ છે કે, કોના લાભાર્થે અહીં રોડનો નિર્ણય લેવાયો ??
