Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં શ્વસનતંત્ર સંબંધિત રોગોની સમસ્યાઓ મોટી છે. ઘણાં બધાં લોકો આ તકલીફો સહન કરી રહ્યા છે. લાંબા દરિયાકિનારાને કારણે વાતાવરણમાં ભેજ રહે છે, જે પણ મુશ્કેલીઓ ઉભી કરે છે. અને, કોરોના બાદ સંખ્યાબંધ લોકોના ફેફસાં નબળા થયા છે. સાથે, પ્રદૂષણની પણ આ સંબંધે મોટી ભૂમિકા છે.
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અસંખ્ય લોકો શ્વસન તંત્ર સંબંધિત તકલીફો અનુભવી રહ્યા છે. માત્ર 108 એમ્બ્યુલન્સને આ સંબંધે મળતાં કોલ્સની સંખ્યા પણ મોટી છે. આ ઉપરાંત દરેક જિલ્લાઓમાં હોસ્પિટલોની OPD, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત ફરિયાદોના હજારો દર્દીઓ જોવા મળી રહ્યા છે.
ચિંતાપ્રેરક સ્થિતિઓ એ છે કે, છેલ્લા 2 જ વર્ષ દરમ્યાન રાજ્યમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં 60 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. ઘણાં બધાં મોત પણ આ કારણોથી થઈ રહ્યા છે. ખરેખર તો આ રોગોને પણ હ્રદયરોગ જેટલી જ ગંભીરતાથી જોવા જોઈએ. શ્વાસ જ જિંદગીનો આધાર છે. હાલમાં શિયાળાની મોસમ શરૂ થઈ હોય વાતાવરણ સૂકું બની જશે, આથી અસ્થમા સહિતના શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓની મુશ્કેલીઓ વધશે.





