Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં આરોગ્ય તંત્ર વર્ષોથી ‘બિમાર’ હાલતમાં છે તે સ્થિતિઓ વચ્ચે એવા આંકડા જાહેર થયા જે અતિ ગંભીર ચિંતાઓ ઉપજાવનારા છે. સામાન્ય સારવાર અને ઓપરેશન તથા દવાઓ બાબતમાં સરકારી હોસ્પિટલોની હાલત અતિશય ખરાબ છે એ તો સૌ જાણે છે પરંતુ તાત્કાલિક સારવાર એટલે કે મેડિકલ ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર જેવી સંવેદનશીલ બાબતોમાં પણ કરોડો દર્દીઓ દયનીય હાલત વેઠી રહ્યા છે, કારણ કે આ વિભાગોમાં પણ સેંકડો જગ્યાઓ ખાલી !!
કલ્પના કરો: મેડિકલ ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર કે જ્યાં ગંભીર અકસ્માત, ઘાતક હુમલા, મારામારી, હાર્ટ એટેક, પેરેલિસિસ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને આત્મહત્યાનો પ્રયાસ જેવા અતિ ગંભીર દર્દીઓ ચોવીસ કલાક દરમિયાન ગમે ત્યારે અચાનક દોડી જવા મજબૂર હોય છે, તેવી જગ્યાઓ પર પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પૂરતાં પ્રમાણમાં ન હોય, ત્યાં લાખો ગંભીર દર્દીઓની સ્થિતિઓ શું થતી હશે ?!
આ મેડિકલ ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટરની વાત કરીએ તો, આખા રાજ્યમાં સૌથી ચિંતાજનક સ્થિતિઓ જામનગરમાં છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ જામનગરની જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં છે. આખા રાજ્યની ખાલી જગ્યાઓનો આંકડો 706 છે, જે પૈકી સૌથી વધુ ખાલી જગ્યાઓ 179 જામનગરમાં ખાલી છે. આ 179 પૈકી 176 જગ્યાઓ જીજી હોસ્પિટલમાં અને બાકીની 3 જગ્યાઓ મેડિકલ કોલેજમાં ખાલી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 103 જગ્યાઓ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને રાજકોટની PDUમાં 154-154 જગ્યાઓ ખાલી. ભાવનગરમાં 87 જગ્યાઓ ખાલી. ટૂંકમાં, સૌરાષ્ટ્ર કે ગુજરાત કયાંય પણ ખાલી જગ્યાઓ ભરવા પર ધ્યાન આપવામાં આવતું નથી. જેને કારણે લાખો દર્દીઓ તાત્કાલિક સારવાર અને આરોગ્ય સુવિધાઓ મેળવવા વિલંબનો સામનો કરી રહ્યા છે અથવા ખોડંગાતી સેવાઓનો ભોગ બની રહ્યા છે.
જે જગ્યાઓ ખાલી છે તેમાં ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક, એનેસ્થેશિયા, ક્રિટિકલ કેર મેડિસિન, ICU સર્જન, પિડીયાટ્રીક, PRO, હેડ નર્સ તથા સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા સાતેક વર્ષથી આ સમસ્યાઓ છે. હવે આ ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે, એમ એક અધિકારી બિનસતાવાર રીતે કહે છે. અને, આ માટે સરકારે પગાર વગેરે માટે રૂ. 25 કરોડ અલગ રાખવામાં આવ્યા હોવાનું પણ બિનસતાવાર રીતે જાહેર કર્યું છે. અહીં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે, તાત્કાલિક સારવાર જેવા વિભાગોમાં ભરતીઓની પ્રક્રિયાઓમાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે ? તે પ્રશ્નનો જવાબ કયાંય જાહેર થયો નથી.(symbolic image)
