Mysamachar.in-રાજકોટ:
રાજકોટના દર્દનાક ગેમઝોન અગ્નિકાંડના ચાર આરોપીઓને રેગ્યુલર જામીન પર મુક્ત કરવા વડી અદાલતે ઈન્કાર કર્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર સહિતના અન્ય બે આરોપીઓની જામીન અરજીઓ મંજૂર થઈ છે. વડી અદાલતે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા, પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ગેમઝોનના જમીનમાલિકો કિર્તીસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજીઓ નામંજૂર કરી છે. અદાલતે આ આરોપીઓના ગુનાને ગંભીર લેખાવી, આ પ્રકારના આરોપીઓને જામીન આપી શકાય નહીં એવો સાફ મત વ્યક્ત કર્યો હતો.
અદાલતમાં મનસુખ સાગઠીયા વિરુદ્ધ જોરદાર દલીલો થઈ. આરોપીઓએ મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ કરવાનો ગુનો આચરી, નવું રજિસ્ટર બનાવેલું એવી પણ દલીલ થઈ. આરોપીઓનું આ ષડયંત્ર CCTV કેમેરામાં કેદ છે. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર વિરુદ્ધ પણ દલીલ થઈ અને કહેવાયું કે, તેણે ચકાસણીઓ કરવાની પોતાની ફરજો નિભાવી ન હતી જેને કારણે અગ્નિકાંડ સર્જાયો. કીર્તિસિંહ અને કિરીટસિંહ વિરુદ્ધ એવી દલીલ થઈ કે, તેઓ સીધી રીતે જવાબદાર છે. તેઓ ગેમઝોનના નફાના ભાગીદારો હતાં. તેમની ઓફિસ પણ ત્યાં હતી. આ પ્રકારની આકરી દલીલો બાદ અદાલતે આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરી દીધી અને માર્મિક ટકોર પણ કરી.