Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહીત સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઓછો જોવા મળ્યો હતો અને લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો પણ હવે ફરીથી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે. જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.સ્વાભાવિક તાપમાન નીચું સરકશે એટલે ફરી ઠંડી વધશે તે નિશ્ચિત થઇ ગયું હોય તેમ આજથી ફરી ઠંડીનો એક રાઉન્ડ શરુ થયાનો લોકો અહેસાસ કરે છે એ. કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.