Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા માટે આગામી સમયમાં એક અતિ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઉપલબ્ધ થશે, જે મહાનગર જામનગરની શાનમાં ઉમેરો કરશે અને રમતગમતના ક્ષેત્રને વધુ રિચ એટલે કે સમૃધ્ધ બનાવશે. કાલે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી જામનગરના મહેમાન હતાં. તે દરમિયાન, શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીકના JMC મેદાન ખાતે યોજાયેલી જાહેર સભામાં CM ઉપરાંત ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જામનગરમાં આકાર લેનારા ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અંગે પણ ઉલ્લેખ કર્યો.
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ જ્યારથી CM તરીકેના શપથ લીધાં છે ત્યારથી અત્યાર સુધીમાં જામનગરને હજારો કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી છે અને હાલમાં પણ આ પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, જામનગરના લોકો ચતુર છે, જામનગરના લોકોએ દિલ્હી અને ગાંધીનગર ખાતે એવા લોકપ્રતિનિધિઓને ચૂંટીને મોકલ્યા છે જેઓ સતત જામનગર મહાનગર અને જિલ્લાની ચિંતાઓ કરી રહ્યા છે.
ગૃહરાજયમંત્રીએ આગળ કહ્યું કે, જામનગરના સૌ લોકપ્રતિનિધિઓ “પૂનમબેન, રાઘવજીભાઈ, દિવ્યેશભાઈ, મેઘજીભાઈ અને રિવાબેન જ્યારે જ્યારે પણ મને અથવા CMને ગાંધીનગર ખાતે મળે છે ત્યારે ત્યારે તમારાં આ પ્રતિનિધિઓ જામનગર માટે કોઈને કોઈ વિકાસકામ લઈને આવે છે, નવો પ્રોજેક્ટ લઈને આવે છે, તમારાં સૌ લોકપ્રતિનિધિઓ માટે તાળીઓ પાડો…” -હર્ષ સંઘવી આ તકે નગરજનોને સભામાં સંબોધી રહ્યા હતાં.
તેઓએ રાજ્ય સરકારની પોલિસીના સંદર્ભમાં જામનગરના નવા બનનારા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અંગે કહ્યું કે, રાજ્ય સરકાર ઈચ્છે છે કે, રાજ્યના તમામ જિલ્લામથકો અને મહાનગરોમાં સ્પોર્ટ્સને ઉતેજન આપવાના આશય સાથે સરકાર જિલ્લાકક્ષાએ એક એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવે અને આ નીતિના અનુસંધાને જામનગરમાં પણ આગામી માત્ર 14 જ મહિનામાં રૂ. 24 કરોડના ખર્ચથી એક આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ શહેર અને જિલ્લાના યુવાઓને પ્રાપ્ત થશે. તેઓએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર અને રાજય સરકારની તમામ યોજનાઓનો જામનગરમાં વધુને વધુ લોકોને લાભ મળે એ માટે જામનગરનાં સૌ લોકપ્રતિનિધિઓ સતત ચિંતિત હોય છે. તેઓ માટે તાળીઓ વગાડો.