Mysamachar.in:બોટાદ
દિનપ્રતિ દિન ઓનલાઈન ઠગાઇ, છેતરપિંડીની ઘટનાઓમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, એવામાં છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલ મારફતે યુવાઓને પાર્ટ ટાઈમ જોબને નામે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કહી છેતરપીંડીની એક નવી ટેકનીક સામે આવી છે. આવી જ શાતીર દિમાગ શખ્સો દ્વારા ફેંકવામાં આવેલ જાળમાં સાણંદનો એક યુવક ફસાતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે. સાણંદના મોરૈયામાં રહેતા યુવકને ઠગે મોબાઈલમાં મેસેજ કરી પાર્ટ ટાઈમ પૈસા કમાવા માટે યુ-ટ્યુબ વિડીયો ઉપર સબક્રાઇબ અને લાઇક કરવાના ટાસ્ક આપીને લોભામણી સ્ક્રીમમાં રોકાણ કરાવી યુવક સાથે રૂ.40.21 લાખની છેતરપિંડી આચરતા ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સાણંદના મોરૈયાની પંચગીની ગ્રીન સોસાયટીમાં રહેતા અને થ્રીડી ડિઝાઇનર તરીકે નોકરી કરતાં દેવાંગ ચૌહાણને 21 એપ્રિલે તેઓના વોટ્સએપ ઉપર એક અજાણી વ્યક્તિનો મોબાઈલથી મેસેજ આવેલ અને પાંચ દિવસ પછી મેસેજ કરી વાત કરતા સામેથી પાર્ટ ટાઇમ જોબ કરવા માટે પાંચ થી બાર હજાર રૂપિયા કામ કરવા માટે નંબર આપી વાત કરવા કહ્યું હતું. જેથી દેવાંગભાઈએ આ નંબર ઉપર મેસેજ કરી વાત કરતા યુ-ટ્યુબ ઉપર સબક્રાઇબ કરી દરરોજ રૂ.100-300 મળશે અને જેથી દેવાંગભાઈ તૈયાર થઈ જતાં સામે વાળી વ્યક્તિએ તેની લીંક વોટ્સઅપ નંબર મોકલેલ અને લિન્ક ખોલતા જ એક કોર્ડ આવેલ જેમાં બેન્ક એકાઉન્ટ, ઇ-મેઇલ, મોબાઈલ, બેન્ક ડીટેઇલ્સ વગેરે ડેટા માગ્યો હતો અને જે મોકલવા માટે અજાણી વ્યક્તિએ ટેલીગ્રામ આઇ ડી મોકલ્યું હતું. તેની ઉપર દેવાંગભાઈએ વિગતો ભરીને મોકલી હતી અને પછી યુ-ટ્યુબ વીડિયો લાઇક અને સબસ્ક્રાઇબ કરવા બદલ દેવાંગભાઈના એકાઉન્ટ નંબર ઉપર રૂ.150/-રૂપિયા જમા થયેલા અને બીજા દિવસે મસેજ આવ્યો કે ટાસ્ક પુરો કરશો તો તમને વધુ પૈસા મળશે અને તે ટાસ્ક રમવા માટે પૈસા ટ્રાન્સફર કરવાનુ કહી ઠગે વિશ્વાસમાં લઈ દેવાંગભાઈએ બીટકોઇનમા તા.1મે ના રોજ રૂ.5000 રોકાણ કર્યા હતા અને પછી ધીમે ધીમે કરીને રૂ.40.21 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ રૂપિયા દેવાંગભાઈએ પરત માંગતા ઠગે તમારુ એકાઉન્ટ ફ્રીજ થઇ ગયેલ હોવાનું કહી સાત લાખ ભરવા પડશે તેમ કહેતા દેવાંગભાઈએ રકમ ભરવાની ના પાડી હતી. પછી તેઓને ફ્રોડ થયાનું જાણ થતાં બનાવ અંગે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પણ આ કિસ્સો એક દેવાંગભાઈનો જ નથી આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે લોકોએ પણ આ મામલે ચેતવાની એટલે કે એલર્ટ બની જવાની જરૂર હોય તેમ લાગે છે.