Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં સામાન્ય રીતે કેરળ અને મહારાષ્ટ્રનાં નૈઋત્ય વરસાદને પગલે 10-15 જૂન આસપાસ રેગ્યુલર ચોમાસું શરૂ થતું હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. નિયમિત ચોમાસાં પૂર્વે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ! હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ત્રાટકી શકે છે. દર વર્ષે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આ સમયે નૈઋત્યનાં વરસાદનાં વાવડ આવતાં હોય છે. આ વખતે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. વાવાઝોડાં પહેલાં ગુજરાતમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 65 કિમી આસપાસ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે નૈઋત્યનાં નિયમિત ચોમાસાં પૂર્વે ઉત્તર પશ્ચિમ ભારતમાં અચાનક વરસાદ વરસી શકે છે. આજે સવારથી જ પશ્ચિમનાં પવનો ફૂંકાવા શરૂ થઈ ગયા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જો ગુજરાતમાં વાવાઝોડું આવશે તો તે વધારાની મુસીબત લેખાશે. કેમ કે, તાજેતરમાં ગુજરાત કમોસમી વરસાદથી ઘણું પરેશાન થયું જ છે. અને હજુ પણ તેની અસરોમાંથી ખેડૂતો બહાર આવી શક્યા નથી.