Mysamachar.in-રાજકોટઃ
હાલ રાજ્યમાં લગ્નની સીઝન ચાલુ છે જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતી પ્રભુતામાં પગલા પાડશે, લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં ગમે તેટલું ધ્યાન રાખવા છતા ખર્ચ પર કંટ્રોલ રહેતો નથી. અનેક એવા માતા-પિતા હશે જેમને પોતાની વ્હાલસોયી દીકરીના લગ્નમાં થતા ખર્ચની ચિંતા સતાવતી હશે, પરંતુ દીકરીના લગ્નની ચિંતા કરતાં પિતા માટે સારા સમાચાર છે. રાજકોટમાં સેવાભાવી યુવાનોએ શરૂ કરેલું ઝીક્સ ગ્રૂપ દીકરીના લગ્નમાં શાકભાજી વિનામૂલ્યે ઘરે પહોંચાડી જશે. આ સેવાનો લાભ લેવા ઇચ્છતા દીકરીના પિતાએ એક મહિના પહેલા લગ્નની કંકોત્રી અને શાકભાજીનું લિસ્ટ આ ગ્રૂપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફતે પહોંચાડવાનું રહેશે. ત્યારબાદ ગ્રૂપના યુવાનો જમણવાર પહેલા શાકભાજી છેક ઘરે મૂકી જશે.
રાજકોટમાં ઝીક્સ ગ્રુપની સંસ્થા આરટીઓ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કાર્યરત છે. ગુજરાત અને મુંબઇમાં ઝીક્સ ગ્રૂપના યુવાનો ફ્રીમાં હોમ ડિલિવરી કરતાં હતા, આ ગ્રૂપમાં સેવા આપતા યુવાનોએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે. દીકરીના પિતાની ચિંતા જોઇ તેમને મદદરૂપ થવાનો વિચાર આ યુવકોને આવ્યો અને પછી ફ્રીમાં શાકભાજી પહોંચાડવાની જાહેરાત કરી. જાહેરાત થતાની સાથે જ આ સેવાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને 6 દિવસમાં 10 હજાર બુકિંગ મળ્યા હોવાનું યુવાનોનું કહેવું છે, હાલ આ ગ્રૂપમાં 50 સભ્યોની ટીમ સેવા આપી રહી છે. લોકોના પ્રતિસાદને ધ્યાને રાખી આ સેવા અન્ય રાજ્યમાં પણ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આજના મોંઘવારીના યુગમાં પ્રસંગ કરવો એ મોટી ચિંતા હોય છે, એવામાં નિશ્વાર્થભાવે સેવા કરતાં યુવાનોની વાત સાંભળી હરકોઇ વ્યક્તિ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે અને યુવાનોની કામગીરી બીરદાવી રહ્યાં છે.