Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.20 મે ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી શારદાપીઠ ખાતે અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. અને ત્યારબાદ ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરશે. તેમજ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ, ઓખાની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી BSFની 05 કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સિરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક OP ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે.
નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ(NACP) ની સ્થાપના 09 કોસ્ટલ રાજ્યો, 05 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ.441 કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રૂ.164 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી 18 કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની 05 કોસ્ટલ આઉટપોસ્ટનું ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સિરક્રીકમાં લખપતવારી બેટ ખાતેના ઓપી ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે. આ ઓપી ટાવર BSF ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે. NACP, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, BSF પણ ઉપસ્થિત રહેશે.