Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ દ્વારકા પંથકમાં આવનાર હોય, આ અંગે સુરક્ષા વ્યવસ્થામાં રહેલા એક એ.એસ.આઈ સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢતા ઓખાના મહિલા સામે ફરજમાં રુકાવટ સબબનો ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગેની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એલ.કે.કાગડિયા નામના પોલીસકર્મી ગઈકાલે શુક્રવારે તેમની રબારી ગેટ પાસેની સુરક્ષા વ્યવસ્થા અંગેની ફરજ બજાવી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ દ્વારકાધીશ મંદિરે દર્શન માટે તેમજ નજીકના મોજપ ગામે આવેલા કેમ્પની મુલાકાતે આવનાર હોય, ત્યારે અહીં પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત તેમજ રિહર્સલ કોન્વે અંગેની કામગીરી દરમિયાન ચોક્કસ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
આ રસ્તા પર ઓખાના ભૂંગા વિસ્તારમાં રહેતો આરીફ ઈસા ચૌરા નામનો શખ્સ છકડા રીક્ષા લઈને રોંગ સાઈડમાં નીકળતા પોલીસ કર્મચારી દ્વારા આ શખ્સને અટકાવવામાં આવ્યો હતો. ત્યારે આ છકડા રિક્ષામાં બેઠેલા ઓખાના ભૂંગા વિસ્તારમાં રહેતા રૂખડબાઈ વિઘાભા માણેક નામના આધેડ મહિલા દ્વારા પોલીસ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેણીએ રિક્ષામાંથી નીચે ઉતરી અને પોતે જે રિક્ષામાં બેઠેલ હોય તે રીક્ષાને પસાર થવા દેવા માટે પોલીસ કર્મી સાથે ઝઘડો કરી, તેમને બિભત્સ ગાળો કાઢી હતી. આટલું જ નહીં, આરોપી મહિલા દ્વારા પોલીસને થપ્પડ પણ મારી દેતા તેમને મૂઢ ઇજાઓ થવા પામી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે એ.એસ.આઈ. લખમણભાઈ કાગડિયાની ફરિયાદ પરથી રૂખડબાઈ માણેક સામે આઈ.પી.સી. કલમ 332, તથા 506 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.