mysamachar.in-રાજકોટ:
લોકસભાની ચુંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગઇકાલથી પાર્ટી ફંડના નામે પ્રચારનો પ્રારંભ કરી દીધો છે ત્યારે ભાજપે પણ તૈયારીઓ આરંભી દઈને લોકસભા બેઠક વાઈઝ પ્રભારીની નિમણુંક કરીને એક રીવ્યુ બેઠક પણ યોજી નાખી છે ત્યારે બીજા રાઉન્ડમાં ભાજપ પ્રદેશ નેતાગીરી દ્વારા જામનગર સહીત તમામ ૨૬ લોકસભા બેઠકોના સાંસદની કામગીરી અંગે કાર્યકરો સાથે બેઠક યોજી સમીક્ષાઑ કરશે,
ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ એ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધામા નાખ્યા છે અને ભુપેન્દ્ર યાદવ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુ દલસાણીયા દ્વારા આવતીકાલે તા.૪ ના રાજકોટ ખાતે રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર ભાજપના આગેવાનો સાથે બેઠક યોજશે જ્યારે જામનગર,પોરબંદર અને જુનાગઢ લોકસભા એમ ત્રણ લોકસભાની બેઠક માટે તા.૫ ઓકટોબરના રોજ ધોરાજી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે,
આ બેઠકમાં જામનગર સહીત ત્રણ લોકસભા બેઠકના સાંસદની કામગીરી અને સક્રિયતા અંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે, ગુજરાતમાં ભાજપ પક્ષ દ્વારા લોકસભાની ચુંટણી માટે અત્યારથી તૈયારીઓ આરંભી દઈને ચુંટણીના જંગમાં ઉતરવા તમામ પાસાઓનું મનોમંથન કર્યા બાદ લોકસભા બેઠક માટે તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ક્યાં અને કેવા નેતાઓ પર પસંદગી નો કળશ ઢોળવો તેનોફાઇનલ નિર્ણય લઈને કોંગ્રેસને સુપડા સાફ કરવાની રણનીતિઓ પણ આવનાર સમયમાં ઘડી કાઢવામાં આવશે.