Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારે જામનગર શહેરની હવા ચોખ્ખી કરવા, અહીંની મહાનગરપાલિકાને રૂ. 20 કરોડ આપ્યા. અને, મહાનગરપાલિકાના શાસકોએ હવા ચોખ્ખી કરવા માટેનો એક્શન પ્લાન લોંચ કરી દીધો. દરમ્યાન આજે જાહેર થયું કે, જામનગરની હવા અતિ ખરાબ છે, સમગ્ર રાજ્યમાં આ બાબતે કચ્છ પછી જામનગરનો બીજો નંબર !!
રાજ્ય સરકાર ઈચ્છે છે, 2070 સુધીમાં આપણે એવી ગોઠવણ કરવી છે કે હવામાં છોડવામાં આવતું પ્રદૂષણ શૂન્ય એટલે કે ઝીરો થઈ જાય. 2070 બહુ દૂર નથી, આગામી 45 વર્ષ દરમ્યાન આપણે આ ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. ગતિશીલ સરકાર.સમગ્ર રાજ્યમાં હવા ઝેરી બની રહી છે, કારણ કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. અહીં લોકોમાં શ્વાસના કેસ સતત વધી રહ્યા છે. દર કલાકે 15 નવા કેસ શ્વસન તંત્ર સંબંધિત રોગોના આવે છે. આ આંકડા માત્ર 108 એમ્બ્યુલન્સને મળેલાં કોલ્સ છે. લોકો પોતાની મેળે હાંફતા હોસ્પિટલ પહોંચી જાય છે એ આંકડાઓ અલગ.
ક્યા જિલ્લામાં હવામાં કેટલું ‘ઝેર’ ભળી રહ્યું છે તેના આંકડાઓ બહાર આવ્યા. કચ્છ પ્રથમ નંબર પર છે. અહીં એમિઝન 17.8 ટકા છે. 13.13 ટકા સાથે જામનગર બીજા નંબરે ! અને, 10.5 ટકા સાથે સુરત જામનગર પછી ત્રીજા ક્રમે.
સરકાર કહે છે: અમે કલાયમેટ ચેન્જ સંબંધે દરેક જિલ્લા માટે અલગ પ્લાન બનાવીશું. 2070 સુધીમાં હવા ચોખ્ખી કરી નાંખવી છે. દરેક જિલ્લાઓ માટે અલગ પોલિસી તૈયાર થશે. ઉદ્યોગ અને વાહન સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાવે છે. આ ઝેર માણસના ફેફસાંને ખલાસ કરી નાંખે છે. દરમ્યાન, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયા એમ બોલ્યા છે કે, રાજ્યમાં 185 નદીઓના કાંઠે ઝાડવા વાવીશું. તેઓ પર્યાવરણ મંત્રી છે, રાજ્યના વાતાવરણ માટે ચિંતાઓ કરે છે. રાજ્યમાં કલાયમેટ ચેન્જ યુનિવર્સિટી પણ સ્થાપિત થશે, પ્રદૂષણ ગંભીર મામલો છે. કલાયમેટ ચેન્જ વિષય ખૂબ મહત્વપૂર્ણ છે.





















































