Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની ગતિવિધિઓ તેજ બની રહી છે. માત્ર નવ જ દિવસનાં ટૂંકા ગાળામાં કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બીજી વખત રાજ્યની મુલાકાત લઈ ચૂકી છે. ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. કલેકટર તથા જિલ્લા પોલીસ વડા કક્ષાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કાલે મંગળવારે સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પાટનગર ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને જરૂરી માહિતી તથા વિગતો આપી હતી.
ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ચૂંટણી ટિકીટ આપવામાં આવશે અથવા કોઈ અપક્ષ ઉમેદવાર આ પ્રકારના હશે તો તેણે ત્રણ વખત એફિડેવિટ આપવાનું રહેશે. રાજકીય પક્ષોએ પણ તેઓએ શા માટે દાગી ઉમેદવારને ટિકિટ આપી ? તે અંગે પંચને લેખિત ખુલાસો આપવાનો રહેશે. કોઈ પણ નાગરિક પોતાના અથવા અન્ય કોઈ પણ મતવિસ્તારમાં ચાલી રહેલી અયોગ્ય પ્રવૃત્તિ અંગે ચૂંટણી સમયે પંચની એપ્લિકેશન પર વીડિયો અથવા ફોટાઓ અપલોડ કરી શકશે.
ચૂંટણી અધિકારીએ આ વિગતો સંબંધે વધુમાં વધુ 100 મિનિટની અંદર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. મતદાનનો સમય એક કલાક વધારવા અંગે 10 ઓક્ટોબર બાદ, આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયાં પછી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવશે એમ મુખ્ય કમિશનરે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ચૂંટણી પંચની KYC એપ્લિકેશન પર ચૂંટણી લડી રહેલાં દાગી ઉમેદવારોની વિગતો અપલોડ થયેલી જોઈ શકાશે. આ ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકો તથા ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમિયાન રાજ્યમાં આવતાં શરાબ અંગે તેઓએ જિલ્લા પોલીસ વડાઓને આવશ્યક સૂચનાઓ આપી હતી.